પીજીવીસીએલની સબ ડિવિઝન કચેરીઓમાં ફોન ન ઉપડવાની સતત ફરિયાદો : MDએ વીજ ગ્રાહકોને સીધા સેન્ટ્રલ કોલ સેન્ટરમાં ફરિયાદ કરવા અપીલ કરી મોરબી અપડેટ : મોરબીમાં છેલ્લા ઘણા સમયથી વીજ ગ્રાહકોની મોટી ફરિયાદ રહી છે કે લાઈટ જાય ત્યારે સ્થાનિક સબ ડિવિઝનની કચેરીના નંબરો કાં તો સતત વ્યસ્ત આવે છે, કાં તો કોઈ ફોન રિસીવ કરતું નથી. પાવર કટ સમયે લોકો હેરાન થતા હોય છે અને ફોન ન ઉપડવાને કારણે રોષમાં વધારો થાય છે. ત્યારે વીજ ગ્રાહકોની આ મોટી સમસ્યા અંગે પીજીવીસીએલ એમડી મહિપાલ ચુડાસમાએ મહત્વની અપીલ કરી છે.પીજીવીસીએલ એમડી મહિપાલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગ્રાહકોના ફોન રિસીવ ન થવા કે પાવર કટ અંગેની ફરિયાદોના કાયમી ઉકેલ માટે રાજકોટ ખાતે એક કોલ સેન્ટર કાર્યરત છે. ગ્રાહકોએ સ્થાનિક કચેરીને બદલે સીધા 19122 નંબર પર પોતાની ફરિયાદ કરી શકશે. આ નંબર પર ફરિયાદ નોંધાવ્યા બાદ તરત જ એક કમ્પ્લેન આઈડી જનરેટ થશે, જે સીધું જ જે-તે સબ ડિવિઝનને મોકલી આપવામાં આવશે. સ્થાનિક સબ ડિવિઝન માટે આ આઈડીના આધારે ફરિયાદ સોલ્વ કરવી ફરજિયાત બની જશે અને મેનપાવર મોકલીને તેઓએ કામગીરી પૂર્ણ કરવાની રહેશે.આ સેવાનો લાભ લેવા માટે એમડીએ વીજ ગ્રાહકોને અપીલ કરી છે કે જ્યારે પણ 19122 પર કોલ કરી ફરિયાદ નોંધાવવાની હોય ત્યારે ગ્રાહકોએ પોતાનો ગ્રાહક નંબર (કન્ઝ્યુમર નંબર) સાથે રાખવો. આ ઉપરાંત જો ગ્રાહકને પોતાના વિસ્તારના ફીડરની માહિતી હોય તો તે આપવી વધુ ઈચ્છનીય છે, જેથી કામગીરી વધુ ઝડપથી થઈ શકે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક ફરિયાદ નંબરોએ લોકોમાં ભારે નિરાશા જગાવી છે તેવામાં પીજીવીસીએલના MDએ આપેલા આ સેન્ટ્રલ કોલ સેન્ટરના નંબર લોકોને મદદરૂપ થાય છે કે નિરાશા યથાવત રહે છે તે જોવું રહ્યું.#MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MahipalChudasama #TollFreeNumber19122 #Morbi #GujaratNews