ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પ્રશ્ન ઉઠાવનાર સરપંચ પરિવાર પર કુહાડી અને લોખંડના પાઇપથી ઘાતકી હુમલો કરાયોવાંકાનેર : વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે ખેલાયેલા ખૂની ખેલમાં વળતી ફરિયાદ નોંધાઇ છે. જેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરવા બાબતે ગ્રામ પંચાયતના સરપંચના પરિવાર પર જીવલેણ હુમલો કરવા મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ વસુંધરા ગામે રહેતા જીવનદિપ ધીરૂભાઇ ડાંગરે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પિતા ધીરૂભાઇ જાલસીકા-વસુંધરા સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ હોવાથી તેઓ વસુંધરા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો વિરોધ કરી લેખિત-મોખિક રજૂઆતો કરતા હતા. આ બાબતની અદાવત રાખી તા. ૦૯ સપ્ટેમ્બરના રોજ આરોપીઓએ સરપંચ પર હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમની શોધખોળ કરવા ગયેલા ફરિયાદી જીવનદિપ અને સાહેદ એભલભાઇ પર વસુંધરા ગામે આવેલી દૂધ મંડળી પાસે આરોપીઓ લાલાભાઇ સામતભાઇ સરૈયા, ગોપાલભાઇ લાલાભાઇ સરૈયા, સુરેશભાઇ રેવાભાઇ સરૈયા અને શૈલેષભાઇ રેવાભાઇ સરૈયા તમામ રહે. વસુંધરા દ્વારા લોખંડના પાઇપ, કુહાડી અને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરાયો હતો. આ હુમલામાં ફરિયાદી અને સાહેદને માથામાં તેમજ શરીરે ગંભીર મરણતોલ ઇજાઓ તેમજ હાથે-પગે ફેક્ચર જેવી ઇજાઓ થઈ હોવાનું જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.