મોરબી-હળવદ હાઇવે પર ચાલીને જતા 67 વર્ષીય કમુબેન ઠુંગાનું મોત, ચાલક વાહન મૂકી ફરારહળવદ (મોરબી અપડેટ): હળવદ તાલુકાના કડીયાણા ગામ પાસે પૂરઝડપે આવતા એક છોટા હાથી (ટેમ્પો) ના ચાલકે ચાલીને જતા એક વૃદ્ધાને અડફેટે લેતા તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો.મળતી માહિતી મુજબ, કડીયાણા ગામના ભરવાડ વાસમાં રહેતા રાયમલભાઈ રમુભાઈ ઠુંગા (ઉ.વ. 36) ના 67 વર્ષીય માતા કમુબેન સાંજના સાડા છએક વાગ્યાના અરસામાં ઘરની સામે મોરબી-હળવદ રોડ પર ચાલીને જતા હતા. આ સમયે પૂરઝડપે આવતા છોટા હાથી (રજીસ્ટ્રેશન નંબર: GJ-36-V-0624) ના ચાલકે તેમને ટક્કર મારી હતી.આ ગમખ્વાર અકસ્માતમાં કમુબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સ્થાનિકો અને પરિવારજનો દ્વારા તાત્કાલિક સારવાર માટે ચરાડવા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, અકસ્માત સર્જનાર છોટા હાથીનો ચાલક પોતાનું વાહન રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો છે. હળવદ પોલીસે ગુનો નોંધી ફરાર ચાલકને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #HalvadNews #HitAndRun #RoadAccident #MorbiHalvadHighway #Kadiyana #CrimeNews #Morbi