લાઇન લીકેજ રિપેરિંગ બાદ ખાડો પૂરવાનું ભૂલાયું; 1 વર્ષ પહેલાં જ રિસર્ફેસ કરાયેલા રોડ પર ઠેર-ઠેર ખાડા પડતાં લોકોમાં રોષમોરબી અપડેટ : મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકથી પરશુરામ પોટરી તરફ જતો મુખ્ય માર્ગ વાહનવ્યવહારથી સતત ધમધમતો રહે છે. આ માર્ગ પર આવતા નાલાથી આગળ રાજ સોસાયટીના ગેટ પાસે મેઇન રોડ પર એક મસમોટો ખાડો પડી ગયો છે. આ ખાડો રાહદારીઓ અને વાહનચાલકો માટે ભારે મુશ્કેલીરૂપ અને જોખમી સાબિત થઈ રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ થતાં તેનું સમારકામ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે, લીકેજ રિપેર થયા બાદ માત્ર માટી નાખીને સંતોષ માની લેવાયો હતો અને યોગ્ય રીતે ડામર કામ કરવામાં આવ્યું ન હતું. પરિણામે છેલ્લા 6 મહિનાથી આ ખાડો એમને એમ જ પડી રહ્યો છે અને સમય જતાં વાહનોની અવરજવરથી વધુ ઊંડો અને જોખમી બની રહ્યો છે.આ મુખ્ય માર્ગ પર રાત્રિના સમયે ઘણી વખત સ્ટ્રીટ લાઇટો પણ બંધ હોય છે, જેના કારણે અંધારામાં વાહનચાલકોને આ ખાડો નજરે પડતો નથી. ખાડો એટલો ઊંડો છે કે રાત્રિના સમયે બાઇકનું ટાયર અચાનક અંદર ઉતરી જતાં પાછળ બેઠેલા મુસાફરો નીચે પટકાય છે. આવી રીતે અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો આ ખાડો વહેલી તકે બુરવામાં નહીં આવે તો ભવિષ્યમાં કોઈ મોટો જીવલેણ અકસ્માત સર્જાઈ શકે છે.નોંધનીય છે કે, આ રોડને ગત ચોમાસું પૂરું થયા બાદ જ રિસર્ફેસ કરવામાં આવ્યો હતો. રોડ બન્યાને હજુ માંડ 1 વર્ષ પણ પૂર્ણ થયું નથી, ત્યાં જ ઠેર-ઠેર આવા ખાડા પડી જતાં તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. લોકોની ઉગ્ર માંગ છે કે મહાનગરપાલિકા દ્વારા રાજ સોસાયટી નજીક પડેલા આ જોખમી ખાડાનું તાત્કાલિક યોગ્ય પુરાણ કરી ડામર કામ કરવામાં આવે જેથી કોઈ મોટો અકસ્માત ટાળી શકાય.#Morbi #MorbiUpdate #MorbiNews #RoadIssues #AccidentHazard #LocalNews #GujaratNews