જુના બસ સ્ટેશન પરથી ગભરાયેલી હાલતમાં મળી આવેલી બંને કિશોરીઓનું કાઉન્સેલિંગ કરી સુરક્ષિત રીતે પરિવારને સોંપાઈમોરબી અપડેટ: મહિલાઓની સુરક્ષા માટે સતત કાર્યરત 181 અભયમ હેલ્પલાઇન ફરી એકવાર આશીર્વાદરૂપ સાબિત થઈ છે. સાવકા પિતાના ત્રાસથી કંટાળીને ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલી 2 સગી બહેનોને મોરબી 181 ટીમે ગણતરીના કલાકોમાં જ શોધી કાઢી, તેમનું યોગ્ય કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.જાગૃત નાગરિકનો કોલ અને 181 ટીમની ત્વરિત કાર્યવાહીગત તારીખ 07/09/2026 ના રોજ 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક જાગૃત નાગરિકે કોલ કરીને માહિતી આપી હતી કે, મોરબીના જુના બસ સ્ટેશન પર 2 કિશોરીઓ છેલ્લા કેટલાક કલાકોથી એકલી બેઠી છે. બંને ખૂબ જ ગભરાયેલી છે અને કોઈ ચોક્કસ સરનામું કે માહિતી આપી રહી નથી. આ જાણકારી મળતા જ ફરજ પરના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ શારદાબેન અને પાયલોટ વિરમભાઈ જીડ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.કાઉન્સેલિંગમાં સામે આવી ચોંકાવનારી હકીકત 181 ટીમે સૌપ્રથમ બંને દીકરીઓને સાંત્વના આપી સુરક્ષિત સ્થળે બેસાડી હતી. ત્યારબાદ સંવેદનશીલતાપૂર્વક કાઉન્સેલિંગ કરતા કિશોરીઓએ પોતાની વ્યથા ઠાલવી હતી. તેઓએ જણાવ્યું કે, તેમની માતાના આ બીજા લગ્ન છે જેને 8 વર્ષ થયા છે. તેઓ કુલ 3 બહેનો છે અને હાલ મોરબીની એક ટાઈલ્સ કંપનીમાં પરિવાર સાથે રહે છે. તેમના સાવકા પિતા રોજ નશો કરીને મારઝૂડ કરે છે, અપશબ્દો બોલે છે અને ઘરખર્ચ માટે પૈસા પણ આપતા નથી. આ રોજિંદા માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને બંને બહેનો સવારે રસોઈ બનાવીને કોઈને કહ્યા વગર જ ઘરેથી નીકળી ગઈ હતી.માર્ગદર્શન અને પરિવાર સાથે સુખદ અંતગભરાયેલી કિશોરીઓને પિતાનો કોન્ટેક્ટ નંબર કે કંપનીનું સરનામું યાદ ન હતું. પરંતુ 181 ટીમે ભારે જહેમત ઉઠાવીને તેમના પિતાનો સંપર્ક કર્યો હતો. જરૂરી આધાર-પુરાવા ચકાસીને ટીમ કંપની ખાતે પહોંચી હતી. પિતાએ પણ સ્વીકાર્યું હતું કે નાની બાબતે ઝઘડો થતાં દીકરીઓ ઘરેથી જતી રહી હતી અને તેઓ તેમને શોધી રહ્યા હતા. 181 ટીમે પિતાને કાયદાકીય સમજ આપી, ભવિષ્યમાં મારઝૂડ ન કરવા, અયોગ્ય વર્તન ન કરવા અને દીકરીઓને શિક્ષણ આપવા બાબતે કડક સૂચના અને લાંબી સમજાવટ આપી હતી. અંતે, બંને કિશોરીઓએ પણ ફરી ક્યારેય ઘરની બહાર ન નીકળવાનો સંકલ્પ લીધો હતો. 181 ટીમે બંને દીકરીઓને સુરક્ષિત રીતે પરિવારને સોંપી હતી, જેના બદલ પરિવારે હૃદયપૂર્વક 181 ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #181Abhayam #WomenSafety #GujaratPolice #MorbiNews #AbhayamHelpline