મોટી સંખ્યામાં ભાવિકોએ 14 સ્વપ્ન દર્શન અને ઉછામણીનો લ્હાવો લઈ ધન્યતા અનુભવીધર્મનાથ ભગવાનના 273 વર્ષ જૂના જિનાલયમાં વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો અને 22 થી વધુ તપસ્વીઓની કઠિન આરાધનામોરબી : મોરબી શહેરમાં આવેલા 8 જિનાલયોમાં જૈન ધર્મના મહાપર્વ પર્યુષણની ભારે આસ્થા સાથે ઉજવણી ચાલી રહી છે. ખાસ કરીને 273 વર્ષ પ્રાચીન દરબારગઢ સ્થિત ધર્મનાથ ભગવાનના જિનાલયમાં, જ્યાં 3000 વર્ષ જૂની સંપ્રતિ કાલીન પ્રતિમા બિરાજમાન છે, ત્યાં ધાર્મિક અનુષ્ઠાનોનો માહોલ છવાયો છે. સાધ્વીજી ભગવંત પુનિતકલાજી મ.સા. આદિ ઠાણા-5 ની પાવન નિશ્રામાં આરાધકો ભક્તિમાં લીન બન્યા છે. પર્યુષણના પાંચમા દિવસે કલ્પસૂત્ર ગ્રંથમાંથી મહાવીર જન્મ વાંચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત ભાવિકોએ ભારે હર્ષોલ્લાસ સાથે ભાગ લીધો હતો. આગામી તા.17એ મહાવીર જયંતીની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે.જન્મ વાંચન પ્રસંગે ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોના દર્શન અને ઉછામણીનો લાભ લેવા માટે જૈન સમાજના લોકોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો અને ભાવિકોએ અષ્ટમંગલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબી જૈન સંઘમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલતા ઋષિમંડળ મહાતપ અને મહાપૂજનમાં આશરે 50 જેટલા આરાધકો જોડાયા હતા. હાલમાં પર્યુષણ પર્વ અંતર્ગત 20 થી 22 જેટલા તપસ્વીઓ કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે, જે સમગ્ર જૈન શાસન માટે એક ગૌરવની બાબત બની રહી છે. આ ધાર્મિક માહોલ વચ્ચે લાભાર્થી પરિવારોએ વિવિધ ધાર્મિક કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.મહાવીર જન્મ વાંચન પ્રસંગે ત્રિશલા માતાને આવેલા 14 સ્વપ્નોના દર્શન અને ઉછામણીમાં અનેક ભાવિકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. પ્રથમ સ્વપ્ન હાથીને ઝુલાવવાનો તેમજ ફૂલની માળાનો લાભ ભાનુબેન નગીનદાસ પારેખ પરિવારે લીધો હતો, જ્યારે સોનાની માળાનો લાભ શશિકાંત રતિલાલ મહેતાને મળ્યો હતો. વૃષભ સ્વપ્નમાં ગુલાબબેન મુલચંદભાઈ શાહ અને પદ્માબેન વિનોદરાય શાહે લાભ લીધો હતો. કેસરી સિંહના દર્શનનો તમામ લાભ સરોજબેન પ્રફુલચંદ્ર દોશીએ લીધો હતો. આ ઉપરાંત લક્ષ્મીજીના સ્વપ્નમાં મીનાબેન બિપીનભાઈ દોશી અને ચંદુભાઈ મીઠાઈવાળા જોડાયા હતા, જ્યારે ફૂલની માળાના સ્વપ્નનો લાભ કમળાબેન નગીનદાસ દોશી, રંજનબેન નવીનચંદ્ર મહેતા અને મસ્તીબેન વનેચંદ દોશીએ ઉઠાવ્યો હતો.અન્ય મહત્વપૂર્ણ સ્વપ્નોના ઝુલાવવાની ઉછામણીમાં પણ ભાવિકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચંદ્ર સ્વપ્નનો લાભ રંજનબેન નવીનચંદ્ર મહેતાએ, સૂર્યનો લાભ મહેન્દ્રભાઈ શંભુભાઈ સંધાણીએ અને ધ્વજાનો લાભ હર્ષદભાઈ જમનાદાસ દોશીએ લીધો હતો. કળશ ઝુલાવવાનો લાભ વોરા ભવનભાઈ પોપટલાલને તેમજ પદ્મ સરોવરનો લાભ ગુલાબચંદ કીર્તિચંદ લોઢિયાના ફાળે ગયો હતો. ક્ષીર સમુદ્ર માટે સુશીલાબેન મહેન્દ્રકુમાર દોશી અને દેવ વિમાન માટે ચંદુભાઈ મીઠાઈવાળા આગળ આવ્યા હતા. રત્નનો ઢગલો અને અગ્નિ શિખા એમ બંને સ્વપ્નોમાં ઝુલાવવા સહિત ફૂલ અને સોનાની માળાનો સંપૂર્ણ લાભ જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ધોળકિયાએ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.સંવત્સરી મહાપર્વ નિમિત્તે દરબારગઢ સંઘમાં સમૂહ પ્રતિક્રમણ યોજાશેઆગામી ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખા મુજબ, સંવત્સરી મહાપર્વ નિમિત્તે મંગળવારે વહેલી સવારથી સાંજ સુધી વિશેષ ધર્મક્રિયાઓ થશે અને બપોરે 3:30 કલાકે દરબારગઢ સંઘમાં સમૂહ પ્રતિક્રમણ યોજાશે. બુધવારે તપસ્વીઓના પારણાં થશે અને ગુરુવારે દરબારગઢ સંઘથી પ્લોટ સંઘ સુધી પરમાત્માની ભવ્ય રથયાત્રા નીકળશે. ત્યારબાદ વણિક જ્ઞાતિની વાડીમાં તમામ સાધર્મિક ભાઈ-બહેનો માટે સ્વામી વાત્સલ્યનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દરબારગઢ સંઘ, પ્લોટ સંઘ અને રિલીફનગર સંઘ સહિતના તમામ જૈન આગેવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.પરમાત્માને પારણામાં પધરાવવા સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયાસ્વપ્ન દર્શન ઉપરાંત અન્ય અનેક પવિત્ર ધાર્મિક અનુષ્ઠાનોના લાભાથીઓએ પણ ભારે ઉત્સાહ દાખવ્યો હતો. પરમાત્માને પારણામાં પધરાવવાનો પાવન લાભ અલીબેન વનેચંદ દોશીને પ્રાપ્ત થયો હતો, જ્યારે પરમાત્માને પારણામાં ઝુલાવવાનો લાભ સુશીલાબેન મહેન્દ્રકુમાર દોશીએ લીધો હતો. પરમાત્માનું પારણું ઘર પધરામણીનો વિશેષ લાભ મધુબેન રમેશચંદ્ર મહેતા પરિવારે લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન થાપા મારવાનો અમૂલ્ય લાભ જયશ્રીબેન સૂર્યકાંતભાઈ ધોળકિયાને મળ્યો હતો. સ્વપ્ન ઉતારતી વખતે થાળી-વાટકાનો મહત્વનો લાભ ભગવાનભાઈ શાંતિલાલ શાહ દ્વારા લેવામાં આવ્યો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.