ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા - નેકનામ રોડ પર ગઈકાલે વહેલી પરોઢે પગપાળા જઈ રહેલા મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી જતા બનાવ અંગે મૃતકના બનેવીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા તાલુકાના ધ્રોલિયા ગામના પાટિયા પાસે આવેલ ચંદન ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ભીમસિંગ છગનભાઇ ડાવરે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે વહેલી પરોઢે અઢી વાગ્યાના અરસામાં તેમના સાળા સુનિલભાઈ કૈલાસભાઈ મકવાની પગપાળા રોડ પર જતાં હતાં ત્યારે ફીનોમેક્સ પોલીમર્સ કારખાના પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોંચાડતા મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત બાદ વાહન ચાલક નાસી ગયો હોય ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.