શૈક્ષણિક ગુણવત્તા, સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ અને શિક્ષણ પદ્ધતિઓ અંગે સવિસ્તાર માર્ગદર્શન મેળવ્યુંમોરબી: મોરબીની ડો. બાબાસાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ તાજેતરમાં મોરબીની પીએમશ્રી (PM SHRI) માધાપરવાડી શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યયન-અધ્યાપનની આધુનિક પદ્ધતિઓ અને શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માર્ગદર્શન મેળવવાનો હતો.માધાપરવાડી શાળા શૈક્ષણિક ગુણવત્તાની સાથે અનેક સહ-અભ્યાસિક, સેવાકીય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જાણીતી છે. અહીં સરકારના વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવામાં આવે છે. ડો. બાબાસાહેબ આંબેડકર શાળાના શિક્ષકોએ આ તમામ પ્રવૃત્તિઓ જેવી કે - મકરસંક્રાંતિ બાદ પતંગના દોરા એકત્ર કરવા, બ્લડ ગ્રુપિંગ અને હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ, બેંક એકાઉન્ટ ખોલાવવા માટેના કેમ્પ, વ્યસન મુક્તિ કાર્યક્રમ, આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ, મધ્યાહ્ન ભોજન કુકિંગ કોમ્પિટિશન, વિદ્યાર્થીઓને ચશ્મા વિતરણ, રાષ્ટ્રીય તહેવારો અને અન્ય તહેવારોની ઉજવણી અંગે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત શાળામાં જ્ઞાનસેતુ, જ્ઞાન સાધના, NMMS, શિષ્યવૃત્તિ અને જવાહર નવોદય જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ પરિણામ કેમ પ્રાપ્ત કરે છે, તે અંગે પણ જાણકારી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન માધાપરવાડી શાળાના પ્રિન્સિપાલ દિનેશભાઈ વડસોલાએ મુલાકાતી સ્ટાફને ન્યુ એજ્યુકેશન પોલિસી (NEP) અને રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત બાળકો સાથે કેવો વ્યવહાર કરવો અને અધ્યાપન કઈ રીતે કરાવવું તે અંગે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે શિક્ષકોને 'માસ્તર' (માઁ ના સ્તર) સુધી જઈને વિદ્યાર્થીઓને ભણાવવાની પ્રેરણા આપી હતી અને RTE ની જોગવાઈ મુજબ બાળકોને શારીરિક કે માનસિક સજા ન કરવા પર ભાર મૂક્યો હતો.પ્રિન્સિપાલ દિનેશભાઈએ શિક્ષકોને વર્ગખંડમાં વિષય પ્રવેશ, વિષયવસ્તુની સમજ, દ્રઢીકરણ, પુનરાવર્તન, નિદાન અને ઉપચારના પગથિયાં મુજબ પાઠ ચલાવવાની પદ્ધતિ ડૉ. આઈ.કે. વીજળીવાળાની 'પ્રેમનો પારસમણી' વાર્તાના ઉદાહરણ સાથે સમજાવી હતી. સાથોસાથ સ્માર્ટ બોર્ડ અને 'જી-શાલા' એપના માધ્યમથી અભ્યાસક્રમ કઈ રીતે ચલાવવો તેનું પણ પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું હતું. માધાપરવાડી શાળાનું શિક્ષણ પ્રત્યેનું સમર્પણ, સમગ્ર વાતાવરણ અને શૈક્ષણિક પદ્ધતિઓ જોઈને ડો. બાબાસાહેબ આંબેડકર શાળાના તમામ શિક્ષક બહેનો ખૂબ જ પ્રભાવિત અને ખુશ થયા હતા.#MorbiUpdate #MorbiNews #Education #PMSHRISchool #MadhaparwadiSchool #TeachersTraining #NEP #Morbi