ટંકારા (મોરબી અપડેટ): ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ), ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી દ્વારા તાજેતરમાં 'મારા વિચારો મારા મતે' વિષય પર જિલ્લા કક્ષાની વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ (ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસ) અને 8 સપ્ટેમ્બર વિશ્વ સાક્ષરતા દિવસના અનુસંધાને યોજાઈ હતી.આ વકતૃત્વ સ્પર્ધામાં મોરબી જિલ્લાની માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તેમજ જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત હાઇસ્કુલ હરબટીયાળીના ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઉર્વિશા મોમભાઈ ઝાપડા અને વૃત્તિ મહેશભાઈ બાબરીયાએ પણ ભાગ લીધો હતો. શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક જે.ડી. સિધ્ધપુરાના માર્ગદર્શન હેઠળ તૈયારી કરીને આ બંને વિદ્યાર્થિનીઓએ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જિલ્લા કક્ષાની આ સ્પર્ધાના અંતે જાહેર થયેલા પરિણામમાં ટોપ 5 વિજેતાઓમાં ઉર્વિશા ઝાપડાએ દ્વિતીય અને વૃત્તિ બાબરીયાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું તેમજ પોતાના ગામનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થિનીઓની આ ઝળહળતી સફળતા બદલ શાળા પરિવાર દ્વારા તેઓને પ્રોત્સાહિત કરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AryabhattLokVigyanKendra #Harbatiyali #ElocutionCompetition #TeachersDay #LiteracyDay #Education #Gujcost