જાગૃત નાગરિક દ્વારા મામલતદારને ફરિયાદ કરવામાં આવતા વર્ષોથી સરકારી જમીન પર ખેતી થતી હોવાનું ખુલ્યું મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના સરકારી ખરાબાની જમીન પર અનધિકૃત કબજો કરી ખેતી કરવામાં આવી રહી હોવાની ચોંકાવનારી ફરિયાદ જાગૃત નાગરિક દ્વારા મામલતદારને કરવામાં આવતા મામલતદાર દ્વારા સર્કલ મારફતે તપાસ કરાવી દબાણ કેસ ચલાવી કરોડો રૂપિયાની કિંમતી અંદાજે ૨૫૦૦ ચોરસ મીટર જમીન પર દબાણ સાબિતમાની દબાણ કરનાર અસામીને ૨૮,૭૫૦ રૂપિયાનો દંડ ફટકારી સરકારી જમીન તાત્કાલિક ખુલ્લી કરવા આદેશ આપ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામના રહેવાસી ધનજીભાઈ રતનશીભાઈ દલસાણીયા દ્વારા સરકારી ખરાબાના સર્વે નંબર ૧૨૫ પૈકી ૧ ની આશરે ૨૫૦૦ ચોરસ મીટર જમીન પર દબાણ કરી ખેતી કરવામાં આવી રહી હોવાની જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવતા આ મામલે મામલતદાર મોરબી ગ્રામ્ય દ્વારા સર્કલ ઓફિસર મોરબીને તપાસ સોંપવામાં આવી હતી.જે બાદ સર્કલ ઓફિસરના અહેવાલ બાદ મુંબઈ જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ અન્વયે કેસ ચલાવતા દબાણ કરનાર ધનજીભાઈ દલસાણીયાએ સ્વેચ્છાએ દબાણ સ્વીકારીને જમીન ખુલ્લી કરી આપવાની સંમતિ દર્શાવી હતી. આ કેસમાં મામલતદાર દ્વારા દબાણવાળી ૨૫૦૦ ચો.મી. જમીનની જંત્રી મુજબ રૂપિયા ૨૮,૭૫,૦૦૦ કિંમત ગણી ૧ ટકા લેખે ૨૮,૭૫૦ રૂપિયાનો દંડ ફટકારી જમીન ખુલ્લી કરવા આદેશ કરાયો છે.