પર્યાવરણની જાળવણી સાથે તહેવારની ઉજવણી કરવા મોરબીવાસીઓમાં અનેરો ઉત્સાહમાર્કેટમાં રૂ.100થી લઈ રૂ.21 હજાર કિંમતની 4 ઇંચથી લઈને 3.5 ફૂટ સુધીની માટીની મૂર્તિઓ ઉપલબ્ધમોરબી અપડેટ : મોરબીમાં ગણપતિ મહોત્સવને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મોરબીવાસીઓમાં ગણેશોત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે ઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું ચલણ વધ્યું છે. આ વર્ષે મોરબીમાં મુખ્ય 4 જેટલા કલાકારો દ્વારા અંદાજિત 3000 જેટલી માટીની ઇકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે. લોકોમાં પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ વધતા માટીની મૂર્તિઓની ડિમાન્ડ દર વર્ષે વધી રહી છે. હાલમાં જ 20 થી 25 ટકા જેટલું બુકિંગ પણ થઈ ચૂક્યું છે, એટલે કે સમગ્ર મોરબીમાં અંદાજે 700 થી 800 જેટલી મૂર્તિઓ ભક્તો દ્વારા એડવાન્સમાં બુક કરી લેવામાં આવી છે.મોરબીના કલાકાર કમલેશ નગવાડીયાએ જણાવ્યું હતું કે તેઓએ 10 વર્ષ પહેલા માત્ર 20 મૂર્તિઓ બનાવીને આ કામની શરૂઆત કરી હતી અને આજે તેઓ એકલા 700 જેટલી મૂર્તિઓ તૈયાર કરી રહ્યા છે જે લોકોના બદલાતા અભિગમને દર્શાવે છે. માટીની મૂર્તિ બનાવવાનું કામ ખૂબ જ મહેનત માંગી લે છે, જેના માટે કલાકારો છેલ્લા 7 મહિનાથી સતત કામ કરી રહ્યા છે. સૌપ્રથમ હાથેથી મૂળ મોડેલ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ તેની ડાઈ (બીબું) બનાવીને તેમાં માટી થાબડીને મૂર્તિઓ બનાવવામાં આવે છે.આ વર્ષે બજારમાં 4 ઇંચથી લઈને 3.5 ફૂટ સુધીની માટીની ગણેશ મૂર્તિઓ ઉપલબ્ધ છે, જેની કિંમત 100 થી લઈને 21000 સુધીની રાખવામાં આવી છે. ખાસ વાત એ છે કે આ તમામ મૂર્તિઓમાં કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલવાળા કલરનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, પરંતુ માત્ર વોટર-બેઝ કલર વાપરવામાં આવ્યા છે. ગ્રાહકોની પસંદગીને ધ્યાનમાં રાખીને કલાકારો દ્વારા અંદાજિત 100 જેટલા અલગ-અલગ મોડેલ તૈયાર કરવામાં આવ્યા છે, જે લોકોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યા છે.મુંબઈ પેટર્નની મૂર્તિઓનું વિશેષ આકર્ષણઆ વર્ષે મોરબીમાં અન્ય થીમના બદલે મુંબઈ પેટર્નની ગણેશ મૂર્તિઓનો ક્રેઝ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. કમલેશ નગવાડીયાએ જણાવ્યું હતું કે અમે આ વર્ષે દગડુશેઠ અને લાલબાગચા રાજા જેવી પ્રખ્યાત મુંબઈ સ્ટાઈલની મૂર્તિઓ અદ્દલ સ્વરૂપમાં તૈયાર કરી છે. આ ઉપરાંત કૃષ્ણ સ્વરૂપ, મહાદેવ સ્વરૂપ, નાથજી સ્વરૂપ, બાળ ગણેશ અને શિવ ગણેશ જેવા વિવિધ આકર્ષક સ્વરૂપો પણ બનાવવામાં આવ્યા છે. મૂર્તિઓમાં કોઈપણ પ્રકારના બિનજરૂરી ફેરફાર કર્યા વગર મૂળ ગણપતિના પ્રોપર સ્વરૂપને જાળવી રાખવામાં આવ્યું છે, જે ભક્તોની પહેલી પસંદ બની રહ્યું છે. આ મૂર્તિઓ જોતા જ મુંબઈના ગણેશોત્સવની યાદ આવી જાય તેવી આબેહૂબ અને સુંદર કારીગરી કરવામાં આવી છે.પર્યાવરણને અનુકૂળ કલર અને સામગ્રીનો જ ઉપયોગમાટીની મૂર્તિઓ બનાવવામાં પર્યાવરણની જાળવણીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ મૂર્તિઓને રંગવા માટે કેમિકલયુક્ત કલરનો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. તેના બદલે માત્ર વોટર-બેઝડ એક્રેલિક કલર અને નેચરલ કલરનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ કલર પાણીમાં સરળતાથી ઓગળી જાય છે અને જળચરો કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતા નથી. ફિનિશિંગ અને પ્રાઈમરથી લઈને અંતિમ કલર સુધીની તમામ પ્રક્રિયામાં ઇકો-ફ્રેન્ડલી સામગ્રીનો જ આગ્રહ રાખવામાં આવ્યો છે. ઘરમાં ઉપયોગમાં લેવાતા માટલા કે કલાત્મક વાસણોમાં વપરાતા કલર જેવો જ સુરક્ષિત કલર આ મૂર્તિઓમાં વાપરવામાં આવે છે.મૂર્તિ નિર્માણની લાંબી અને મહેનતવાળી પ્રક્રિયાઇકો-ફ્રેન્ડલી માટીની મૂર્તિઓ બનાવવી એ કોઈ સામાન્ય કામ નથી, તે ખૂબ જ સમય માંગી લેતી પ્રક્રિયા છે. કલાકારો એક ફૂટની મૂર્તિનું મોડેલ તૈયાર કરે ત્યારે તેને સુકાવામાં જ 4 થી 5 દિવસનો સમય લાગી જાય છે. મૂર્તિ બરાબર સુકાઈ ગયા પછી તેના પર ફિનિશિંગ, પોલિશિંગ અને છેલ્લે વોટર-બેઝ કલર કામ કરવામાં આવે છે. આખી પ્રક્રિયા પૂર્ણ થવામાં ઘણો સમય જતો હોવાથી કલાકારો ઉત્સવના 7 મહિના અગાઉથી જ 100 જેટલા અલગ-અલગ મોડેલ પર કામ શરૂ કરી દે છે. કારીગરોની આ અથાક મહેનતનું જ પરિણામ છે કે આજે લોકો પીઓપીની મૂર્તિઓ છોડીને માટીની મૂર્તિઓ તરફ વળ્યા છે.