પૂર્વ વિદ્યાર્થીઓએ શાળાના 272 ભૂલકાંઓને ભોજન કરાવી બાળપણની યાદો તાજી કરી: બેંક ઓફ ઈન્ડિયા દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણમોરબી અપડેટ: મોરબી તાલુકાના વનાળીયા ગામે આવેલી વનાળીયા પ્રાથમિક શાળાના 104 વર્ષના લાંબા અને ગૌરવવંતા ઈતિહાસમાં ગત રવિવાર, 6 સપ્ટેમ્બર 2026 નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. એક સદી કરતાં પણ વધુ સમય બાદ શાળાના પ્રાંગણમાં પ્રથમ વખત પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષો પછી પોતાની માતૃસંસ્થામાં પાછા ફરેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જૂની યાદો વાગોળીને ભાવવિભોર બની ગયા હતા.આ સ્નેહમિલનનું સૌથી પ્રેરણાદાયક પાસું એ રહ્યું કે, પૂર્વ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો દ્વારા શાળામાં અભ્યાસ કરતા તમામ 272 ભૂલકાંઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંક ઓફ ઈન્ડિયા તરફથી માકડીયા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બેંક દ્વારા તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી સુમરા દ્વારા રૂપરેખા ઘડાઈ હતી, જેને કે. ટી. સુમરાએ સુવ્યવસ્થિત રૂપ આપ્યું હતું. મંચ પરથી આ રૂપરેખાની પ્રસ્તુતિ બળદેવ વિલપરાએ કરી હતી. સંસ્કૃત ભાષા પર મજબૂત પકડ ધરાવતા દિવ્યાંગ ભટ્ટે પોતાના સંચાલન (એન્કરિંગ) દ્વારા સમગ્ર સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી. મંચ વ્યવસ્થાની જવાબદારી અજાણા નાનજીભાઈએ ઉત્સાહપૂર્વક સંભાળી હતી, જ્યારે પધારેલા મહેમાનોનું સ્વાગત અને અભિવાદન ભાવેશ વિલપરાએ કર્યું હતું.આ કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે ગામના માજી સરપંચ જીગ્નેશભાઈ વિલપરા, કનૈયાલાલ શિવલાલભાઈ ગામી, ચંદુલાલ દેકાવડીયા અને સંજયભાઈ દેકાવડિયા સતત પ્રોત્સાહક બન્યા હતા. ગામના વડીલ મુરબ્બી ઈશ્વરભાઈના આશીર્વાદ અને ડૉ. પરમારનો આયોજનમાં સિંહફાળો રહ્યો હતો. માતૃસંસ્થાના સ્નેહભાવે છેક વલસાડથી ડાયાભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના સરપંચ અબુભાઈ, પંચાયતના સદસ્યો, ગ્રામજનો, પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો તથા મુખ્ય દાતાઓ અને સહયોગી વિદ્યાર્થીઓ ખડેપગે રહ્યા હતા. યુવા મંડળે સાઉન્ડ વ્યવસ્થા સંભાળી હતી.આ સમગ્ર ઐતિહાસિક પળોને ફોટોગ્રાફર દિવ્યેશ અગ્રાવત (ફોટોઝોન સ્ટુડિયો) એ પોતાના કેમેરામાં કંડારી આજીવન સ્મૃતિ બનાવી હતી. 104 વર્ષે યોજાયેલું આ સ્નેહમિલન વનાળીયા ગામની એકતા અને માતૃસંસ્થા પ્રત્યેના અખૂટ આદરનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.#MorbiUpdate #MorbiNews #VanaliyaVillage #AlumniMeet #SchoolMemories #HistoricEvent #Education #Morbi