રાત્રિના સમયે ટ્રક ચાલક અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે થયેલી ઉગ્ર બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, બંને પક્ષે સામસામા આક્ષેપોવાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર નજીક આવેલા વઘાસિયા ટોલનાકા પર અવારનવાર વાહનચાલકો સાથે માથાકૂટ બનાવો સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવાર ગત રાત્રીના વઘાસિયા ટોલનાકા પર ટોલ કર્મચારીઓ દ્વારા એક ટ્રક ચાલકને માર મારવામાં આવ્યો હોવાનો અને વાહનમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ થયો છે. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.મળતી માહિતી પ્રમાણે રાત્રિના સમયે એક આઇશર ટ્રકના ચાલક અને ટોલનાકાના કર્મચારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ટ્રક ચાલક અને અન્ય લોકો આક્ષેપ કરી રહ્યા છે કે વઘાસિયા ટોલનાકાના કર્મીઓ દાદાગીરી કરી રહ્યા છે અને ડ્રાઈવરને મનફાવે તેમ માર માર્યો છે. એટલું જ નહીં, આ શખ્સોએ ટ્રકનો આગળનો કાચ પણ ફોડી નાખીને ગાડીનું મોટું નુકસાન કર્યું છે.બીજી તરફ, વીડિયોમાં ટોલનાકાના કર્મચારીઓ એવો બચાવ કરતા નજરે પડે છે કે ટ્રક ચાલકે પહેલા હાથ ઉપાડયો હતો. ઘટનાને પગલે હાઇવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બંને પક્ષો દ્વારા પોલીસ સ્ટેશન જવાની અને કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી હતી.વઘાસિયા ટોલનાકા પર અવારનવાર બનતી આવી ઘટનાઓને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ આ વાયરલ વીડિયોના આધારે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ તે અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ટોલનાકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે.#Wankaner #VaghasiyaTollPlaza #TollPlazaDadagiri #ViralVideo #MorbiUpdate #MorbiNews #GujaratNews #TruckDriver