ખેડૂત અને વેપારી વિભાગની 14 બેઠકોના પરિણામ પર સૌની મીટ: બપોર સુધીમાં વિજયી ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશેમોરબી અપડેટ : મોરબી માર્કેટિંગ યાર્ડની સામાન્ય ચૂંટણી માટે ગઈકાલે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલા ભારે મતદાન બાદ આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મતપેટીઓ ખૂલતાની સાથે જ મતગણતરી કેન્દ્ર ખાતે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે અને બપોર સુધીમાં પરિણામોનું સ્પષ્ટ ચિત્ર સામે આવી જશે.રેકોર્ડબ્રેક 96.21% મતદાન થયુંગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં મોરબી, માળિયા અને ટંકારા પંથકના મતદારોએ ભારે ઉત્સાહ દાખવીને સરેરાશ 96.21% જેટલું ઊંચું મતદાન નોંધાવ્યું હતું. જેમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર 110 જેટલી સહકારી મંડળીઓના 1507 મતદારોમાંથી 1448 મતદારોએ મતદાન કરતા 96.08% મતદાન નોંધાયું હતું. જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો પર 51 પૈકી તમામ 51 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરી 100% મતદાન નોંધાવ્યું હતું. બંને પક્ષોના દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પરઆ ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ અને કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર છે. ભાજપ તરફથી મોહનભાઈ કુંડારિયા, મગનભાઈ વડાવિયા, જયંતીભાઈ રાજકોટિયા અને કાંતિલાલ અમૃતિયા સહિતના આગેવાનોની સાખ દાવ પર લાગેલી છે. બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત પેનલ તરફથી લલિત કગથરા, નયન અઘારા અને મનોજ પનારા સહિતના આગેવાનોએ પરિવર્તન લાવવા માટે પૂરજોશમાં તાકાત લગાવી હતી.બપોર સુધીમાં હાર-જીતનો ફેંસલોઊંચા મતદાનને લઈને બંને છાવણીઓ પોતપોતાની પેનલના વિજયના દાવા કરી રહી છે. મતગણતરીના શરૂઆતના વલણો ધીમે ધીમે બહાર આવી રહ્યા છે અને બપોર સુધીમાં તમામ 14 બેઠકોના સત્તાવાર પરિણામો જાહેર થઈ જશે. સહકારી ક્ષેત્રના મતદારોએ શાસક સહકાર પેનલ પર ફરી ભરોસો મૂક્યો છે કે પછી પરિવર્તનની તરફેણમાં કલમ ચલાવી છે, તે હવે ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.#Morbi #MorbiMarketingYard #MorbiAPMC #MorbiUpdate #APMCElection #MorbiNews #GujaratPolitics