ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની પણ શક્યતા : ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશેમોરબી : મોરબી સહિત રાજ્યમાં વરસાદની ભારે ખાધ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર રાજ્યમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જિલ્લાવાર આગાહીમાં મોરબી જિલ્લામાં આગામી તા. સાત દિવસની વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. આ અહેવાલ મુજબ, મોરબી જિલ્લામાં આગામી તા.૧૨,૧૩ અને ૧૪ દરમિયાન છુટાછવાયા સ્થળે ભારે વરસાદ સાથે ૩૦થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની અગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી અનુસાર આજે તા. ૧૦ અને આવતીકાલે તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ મોરબી જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની વધારે શક્યતા છે. સાથે જ તા. ૧૨ સપ્ટેમ્બરના રોજ છૂટાછવાયા સ્થળોએ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવી મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. નોંધનીય છે કે, મોરબી જિલ્લામાં ૧૩ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર એટલે કે, રવિવારથી મંગળવારના સમયગાળામાં ભારે વરસાદની શકયતા છે. આ ત્રણ દિવસો દરમિયાન જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની વધારે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ તા. ૧૬ સપ્ટેમ્બરથી વરસાદનું જોર ઘટશે અને ફરીથી અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે, ખરીફ સીઝનમાં કપાસ,મગફળી સહિતના પાકોને પાણીની ખાસ જરૂરત છે તેવા સમયે જ વરસાદની અગાહીથી ઉભા પાકને જીવતદાન મળવાની ખેડૂતોમાં આશા બંધાઈ છે.