માર્કેટમાં રૂ.350 આસપાસના ભાવે મળતા 1 ટન વેટ મિક્સના બેઠકમાં રૂ.789 ભાવ મુકાતા સભ્યો ચોંકી ઉઠ્યા : દરેક વોર્ડને રૂ.2 કરોડની ફાળવણી, રૂ.191 કરોડના વિકાસકામોનું આયોજનમોરબી અપડેટ : મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજની બેઠકમાં વેટ મિક્સના ભાવ મુદ્દે વિવાદ સર્જાયો હતો. ઉંચા ભાવ સામે 5 સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો. માર્કેટમાં રૂ.350 આસપાસના ભાવે મળતા 1 ટન વેટ મિક્સના બેઠકમાં રૂ.789 ભાવ મુકાતા સભ્યો ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ દરેક વોર્ડને રૂ.2 કરોડની ફાળવણી કરવાની સાથે રૂ.191 કરોડના વિકાસકામોનું આયોજન કરવાનું પણ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. બજાર કરતા બમણા ભાવનું બિલ: 789 રૂપિયા મંજૂર કરવા મુદ્દે સભ્યોમાં અસંમતિ મોરબીમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓ પૂરવા માટે અગાઉ 13 વોર્ડમાં કુલ 201 ગાડી અને ત્યારબાદ બીજી 35 થી 40 ગાડી જેટલું વેટ મિક્સ નાખવામાં આવ્યું હતું. જોકે, આ વેટ મિક્સના ભાવને લઈને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિવાદ થયો હતો. સામાન્ય રીતે બજારમાં એક ટન વેટ મિક્સનો ભાવ 350 રૂપિયાની આસપાસ હોય છે અને સરકારી SOR (Schedule of Rates) પ્રમાણે પણ 450 થી 500 રૂપિયાનો ભાવ થાય છે. તેની સામે સ્ટેન્ડિંગ કમિટીમાં 789 રૂપિયા પ્રતિ ટનના ભાવે બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા સભ્યો ચોંકી ઉઠ્યા હતા. અગાઉ રોલિંગ સહિતની કામગીરી માટે 1700 રૂપિયાનો ભાવ મુકવામાં આવ્યો હતો, જેને મંજૂરી મળી ન હતી. સ્ટેન્ડિંગ કમિટીના કુલ 12 સભ્યોમાંથી 5 સભ્યોએ 789 રૂપિયાના આ ભાવ અંગે બેઠકમાં સ્પષ્ટ વિરોધ નોંધાવી ભારે ચર્ચા જગાવી હતી.રોલિંગનો ચાર્જ કાપીને માત્ર મટીરીયલનું જ પેમેન્ટ ચૂકવાશે આ અંગે સ્પષ્ટતા કરતા ચેરમેન જયંતિ પડસુંબિયાએ જણાવ્યું હતું કે, વેટ મિક્સના કામમાં રોલિંગ, સપ્લાય અને ટ્રાન્સપોર્ટિંગ એમ ત્રણ હેડ નક્કી હોય છે. મોરબીમાં વેટ મિક્સ નાખ્યા બાદ રોલિંગનું કામ થયું ન હોવાથી, રોલિંગનો ચાર્જ કાપીને માત્ર મટીરીયલ અને સપ્લાયનું જ પેમેન્ટ ચૂકવવામાં આવશે. આ કામગીરીનું યોગ્ય વેરીફીકેશન કર્યા બાદ જ નિયમ મુજબ રકમ ચૂકવવામાં આવશે.191 કરોડના વિકાસ કામોનું આયોજન: દરેક વોર્ડને 2 કરોડની ફાળવણી ચેરમેન જયંતિ પડસુંબિયાના જણાવ્યા મુજબ આ બેઠકમાં સરકારની ગ્રાન્ટમાંથી મોરબીના વિકાસ માટે 191 કરોડ રૂપિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના 13 વોર્ડ માટે કુલ 26 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે, દરેક વોર્ડમાં પાયાની જરૂરિયાતવાળા કામો માટે 2 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ ગ્રાન્ટમાંથી રોલ ઓવરના ચાલુ કામો ઉપરાંત નવા સીસી રોડ, બે રસ્તાઓને જોડતા આંતરિક રસ્તાઓ અને નાળા-પુલિયા બનાવવાના કામોને પ્રાધાન્ય આપવામાં આવશે.દિવાળીની રોશની, ડ્રેનેજ મશીનરી અને સ્ટ્રીટ લાઈટ અંગે લેવાયા મહત્વના નિર્ણયોઅધ્યક્ષ સ્થાનેથી તાત્કાલિક અસરથી કેટલાક મહત્વના કામો મંજૂર કરવામાં આવ્યા હતા. ભૂગર્ભ ગટરના પ્રશ્નો હલ કરવા ડ્રેનેજ મશીનરી લેવા અંગે સૂચન કરાયું હતું. આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરમાં લાઈટિંગ સુશોભન કરવા માટેનું આયોજન કરાયું છે. શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટોનો પ્રશ્ન હલ કરવા નવી એજન્સી મારફતે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો અને હાલના ભાવ મુજબ મંજૂરી આપી તાત્કાલિક કામ ચાલુ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ફાયર સ્ટેશનના રિપોર્ટ અને કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNagarPalika #StandingCommittee #MorbiNews #WetMixIssue #CivicIssues #DevelopmentWorks #GujaratNews #MorbiCity