છરી બતાવી પતાવી દેવાની ધમકી આપવામાં આવતા આમરણના યુવાને ટંકારાના બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ટંકારા : ટંકારા નજીક માનતા પુરી કરવા આવેલ આમરણ ગામના યુવાનને કૌટુંબિક બનેવીએ પોતાના પત્ની રિસામણે ગયા હોવાનો ખાર રાખી રસ્તામાં આંતરી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાની સાથે ફોનમાં પણ ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કાસમભાઈ નઝમલભાઈ તૈલી ઉ.45એ આરોપી જાકિર આમદભાઈ માડકીયા અને આરોપી હાજી આમદભાઈ માડકીયા વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદી કાસમભાઈ ગત તા.6ના રોજ ટંકારા નજીક આવેલ પીરની દરગાહ ખાતે માનતા પુરી કરી પરત આમરણ જતા હતા ત્યારે રસ્તામાં આરોપી જાકિર માડકીયા એક્ટિવા લઈ ધસી આવ્યો હતો અને ફરિયાદીના કાકાની દીકરી અને આરોપીના પત્ની રિસામણે ગયેલા હોય તેનો ખાર રાખી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ અન્ય આરોપી હાજીએ પણ ફરિયાદીના મામના ફોનમાંથી ફોન કરી પતાવી દેવાની ધમકી આપી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.