ચોરોએ લાકડાના કાઉન્ટર અને ડિસ્પ્લેમાં રાખેલા ચાંદીના સાંકળા અને વીંટીઓ જેવા રૂ.17 લાખના ઘરેણાંની ચોરી કરી : એ ડિવિઝન પોલીસે બે ટિમો બનાવી તસ્કરોની શોધખોળ હાથ ધરીમોરબી : મોરબીમાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ સરદાર રોડ પર જન્માષ્ટમીની રજાઓનો ફાયદો ઉઠાવી એક જવેલરી શોપમાં પાછળની બાજુની દીવાલમાં બાકોરું પાડી અંદર ઘુસી રૂ.17 લાખના દાગીનાની ચોરીને અંજામ આપ્યો હતો. આ મામલે વેપારીની ફરિયાદને આધારે એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં સામે આવ્યુ છે કે તસ્કરોથી મુખ્ય તિજોરી તૂટી નહીં એટલે બીજું 10 તોલા સોનું બચી ગયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં ખારાકુવા વાળી શેરીમાં રહેતા દિપકભાઈ જયંતિભાઈ માંડલીયાની રાધાકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો. સાતમના તહેવારને કારણે દિપકભાઈ તા.3ના રોજ બપોરે 2 વાગ્યે પોતાની દુકાન બંધ કરી પરિવાર સાથે રાજકોટ ગયા હતા. તહેવારની રજાઓ પૂર્ણ કરી જ્યારે તેમણે તા. 07ના રોજ સવારે 10 વાગ્યે દુકાન ખોલી, ત્યારે અંદરનો તમામ સામાન વેરવિખેર હાલતમાં પડેલો જોવા મળ્યો હતો, જેના પગલે દુકાનમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તસ્કરોએ દુકાનમાંથી 24 ગ્રામ સોનાના દાગીના (કિંમત રૂ. 2,74,000), 6 કિલો 250 ગ્રામ ચાંદીના વિવિધ ઘરેણાં (કિંમત રૂ. 12,50,000) અને 1 કિલો 500 ગ્રામ ચાંદીનો ભંગાર (કિંમત રૂ. 2,00,000) ચોરી કર્યો હતો. આમ, તસ્કરો કુલ રૂ. 17,24,000 નો કિંમતી મુદ્દામાલ ચોરી ગયા હતા. આ ગંભીર બનાવ અંગે જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તસ્કરો કેટલા હતા અને કઈ રીતે આવ્યા તેની વિગતો મેળવવા પોલીસે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી શરૂ કરી છે. હાલમાં પોલીસની બે અલગ-અલગ ટીમો દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.જ્વેલર્સના માલિક દિપકભાઈએ જણાવ્યું હતું કે, તસ્કરોએ દુકાનમાં પ્રવેશ્યા બાદ મુખ્ય તિજોરી તોડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે તૂટી ન હતી. જેને કારણે તિજોરીમાં રહેલું આશરે 10 તોલા જેટલું સોનું સુરક્ષિત બચી ગયું હતું. ચોરોએ મુખ્યત્વે લાકડાના કાઉન્ટર અને ડિસ્પ્લેમાં રાખેલા ચાંદીના સાંકળા અને વીંટીઓ જેવા ઘરેણાંની જ ચોરી કરી છે. અંદાજે 3 જેટલા શખ્સો આ ચોરીમાં સામેલ હોવાની શક્યતા છે.તસ્કરો શાતિર નીકળ્યા, પ્રવેશતાની સાથે જ સીસીટીવીની સ્વીચો બંધ કરીસોની દિપકભાઇ જણાવ્યા અનુસાર તસ્કરો દુકાન પાછળ આવેલા મોરબી તાલુકા સંઘના જૂના પડતર બિલ્ડીંગ તરફથી દુકાનની દીવાલમાં એક મોટું બાકોરું પાડીને આવ્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો શાતિર અને જાણકાર હતા. અંદર પ્રવેશતાની સાથે જ પોતાની ઓળખ છતી ન થાય તેમણે સૌથી પહેલા કેમેરાની સ્વીચો બંધ કરી દીધી હતી.