પહેલા 9400 રૂપિયાનો નફો થયાનું જણાવી બાદમાં ઠગ ટોળકીએ કટકે કટકે બેન્ક અને આંગડિયા મારફતે મોટી રકમ પડાવી લેતા ફરિયાદમોરબી : મોરબી શહેરમાં શેરબજારમાં ઉંચા નફાની લાલચ આપી ઠગ ટોળકી અવાર નવાર લાખો કરોડો રૂપિયાની ઠગાઈને અંજામ આપી રહ્યા હોવા છતાં લોકો તાત્કાલિક ઉંચી કમાણી કરવાની લાલચમાં આવી રહ્યા હોવામાં અનેક બનાવો બની રહ્યા છે ત્યારે આવી જ એક ઘટનામાં મોરબીના સિરામિક ટ્રેડર્સના પુત્રએ પણ શેરબજારમાં કમાણીની લાલચમાં પહેલા 9400રૂપિયા નફો મળતા બાદમાં કટકે કટકે રૂ.86.25 લાખથી વધુ રકમ ગુમાવી દેતા બનાવ અંગે ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી શહેરમાં ઉમા ટાઉનશીપમાં ગુંજન હોમ્સમાં રહેતા અને ટીંબડી નજીક ટાઇલ્સ અને માર્બલનો વેપાર કરતા સીતારામ એન્ટરપ્રાઇઝના માલિક ભરતભાઇ ખીમજીભાઈ વરમોરા ઉ.45 નામના વેપારીએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં આરોપી રોહનકુમાર, લલિતભાઈ બ્રોકર, સાગર પટેલ અને નચિકેત બળદેવભાઈ રબારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, તેમનો 20 વર્ષનો પુત્ર પલ્લવ ઘુંટુ નજીક ગોડાઉન ખાતે બેસતો હોય આરોપીઓએ ફોન કરી શેરબજારમાં રોકાણ કરી ઉંચી કમાણી કરવા લાલચ આપી હતી.વધુમાં આરોપીઓએ માધવ શેઠના માણસો હોવાની ઓળખ આપી ગત મે મહિનામાં પ્રથમ વખત નાની - નાની રકમનું ઓનલાઈન બેન્ક મારફતે પેમેન્ટ કરાવી રૂપિયા 9400નો નફો થયાનું જણાવી પલ્લવનો વિશ્વાસ જીતી લઈ બાદમાં મોટી રકમનું રોકાણ કરો તો હજુ વધુ નફો મળશે તેમ કહી બેંકને બદલે આંગડિયા મારફતે રોકાણ કરો તો ટેક્સના રૂપિયા બચી જશે તેમ કહી વિશ્વાસ સંપાદિત કરી બેન્ક તેમજ આંગડિયા મારફતે રૂપિયા 86,25,950ની રકમ ઓળવી જઈ ઠગાઈ કરતા બનાવ અંગે ભરતભાઇ વરમોરાએ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.