ખેડૂતો માટે 7/12ના દાખલા અને સામાન્ય નાગરિકો માટે પ્રોપર્ટી કાર્ડ સહિતની સુવિધાઓ બંધ મોરબી : ગુજરાત સરકારે મોટાભાગની સરકારી સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવી છે ત્યારે છેલ્લા પાંચેક દિવસથી ગુજરાત સરકારની જમીન રેકર્ડ સંબંધિત anyror એટલે કે, એનીઆરઓઆર વેબસાઈટ અને એપ્લિકેશન ઠપ્પ થઇ જતા લાખો ખેડૂતો અને સામાન્ય નાગરિકો પરેશાન થઇ ગયા છે. વેબસાઈટ ચાલુ થવા અંગે સ્થાનિક અધિકારીઓ અજાણ છે. બીજીતરફ વેબસાઈટ પણ સમ્પર્ક માટે ગાંધીનગરનો લેન્ડલાઈન નંબર આપવામાં આવ્યો છે જેના પર સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવતા ફોન નો રીપ્લાય થઇ રહ્યો છે.ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને જમીન રેકર્ડ જોવા માટે anyror વેબસાઈટ અને એપ્લિકેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે જેમાં ખેડૂતો માટે 7/12, 8-અ, હક્કપત્રકે નોંધ nambr તેમજ પ્રમોલગેશન નોંધ ઉપરાંત સામાન્ય નાગરિકોને પોતાના મિલ્કત સંબંધિત પ્રોપર્ટીકાર્ડ સહિતના દાખલા નીકળી શકે છે. આ અગત્યની વેબસાઈટ છેલ્લા પાંચેક દિવસ થી બંધ છે. જેને કારણે ખેડુતો અને આમ જનતા પરેશાન છે. જો કે, વેબસાઈટ સંબંધિત ફરિયાદ માટે સીએમઓ ઓફિસના ફરીયાદના નંબરો આપવામાં આવ્યા છે. પરંતુ આ નંબર પર ફોન કરવા છતાં કોઈ જ જવાબ મળતા નથી.સામાન્ય ફરિયાદો માટે મોબાઈલ નંબર અને વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવે છે ત્યારે આ મહત્વની વેબસાઈટ અને એપ્લિકેશન માટે પણ મોબાઈલ નંબર જાહેર કરી સત્વરે અતિ મહત્વની ગણાતી વેબસાઈટ પૂર્વવત કરવા લોકો માંગ ઉઠાવી રહ્યા છે.