ફરાર મુખ્ય સૂત્રધારને પકડવા એલસીબીની 4 ટીમો મેદાને મોરબી અપડેટ : માળિયા (મીં.) તાલુકાના મોટા દહીંસરા ગામે એલસીબીએ દરોડો પાડીને ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. આ કેસમાં પકડાયેલા 5 આરોપીઓ હાલ રિમાન્ડ પર છે. હાલ પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ સાથે જપ્ત કરેલો કેમિકલ, ઈથેનોલ અને રો-મટિરિયલનો જથ્થો FSLને તપાસ અર્થે મોકલી દીધો છે. જેના લેબ ટેસ્ટ બાદ કોઈ ઝેરી પદાર્થ છે કે કેમ તે સામે આવશે.મોરબી એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે મોટા દહીંસરા ગામે કૃષ્ણનગર વિસ્તારમાં મકાનમાં ચાલતી નકલી વિદેશી દારૂ બનાવાની મીની ફેકટરી પર દરોડો પાડ્યો હતો. અહીંથી મહેશ કાંજીયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સીંધવ અને વિક્રમભાઈ ધંધુકીયા નામના 5 શખ્સોને રંગેહાથ ઝડપી લેવાયા હતા. આ કૌભાંડનો માસ્ટરમાઇન્ડ અજયસિંહ ભાવુભા જાડેજા રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો. તેને પકડવા પોલીસે 4 અલગ-અલગ ટીમો બનાવી છે.પીઆઇ એસ.પી. જાડેજાના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્ક પાછળ આયોજનબદ્ધ પ્લાનિંગ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. રામદેવસિંહ ઝાલા અને અન્ય આરોપી અગાઉ મોરબી, કચ્છ અને જામનગરની જેલોમાં રહી ચૂક્યા છે. ત્યાં તેમને અન્ય રાજ્યોના ગુનેગારો સાથે સંપર્ક થયો હતો. આ સંપર્કોનો ઉપયોગ કરીને તેમણે ડુપ્લીકેટ દારૂ બનાવવાની પ્રક્રિયા શીખી હતી. અલગ અલગ ટ્રાન્સપોર્ટ મારફતે રો-મટિરિયલ મંગાવીને થોડા દિવસ પહેલા જ આ ફેક્ટરીનું સેટઅપ ઉભું કરવામાં આવી રહ્યું હતું. પકડાયેલા પાંચ પૈકી ત્રણ આરોપી પર અગાઉ પ્રોહિબિશનના અનેક ગુના નોંધાયેલા છે.આરોપીઓ કેમિકલમાંથી દારૂ બનાવી તેને બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની બોટલોમાં ભરતા હતા. દરોડા દરમિયાન 23 જેટલી તૈયાર પેટીઓ પણ મળી આવી હતી. આરોપીઓએ ખાલી બોટલો અને પેકિંગ સામગ્રી 2 થી 3 દિવસ પહેલા જ મંગાવી હતી અને પેકિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે જ એલસીબી ત્રાટકી હતી. ફરાર આરોપી અજયસિંહ જાડેજા હાલ મોરબીના વાવડી રોડ પર રહેતો હતો અને દોઢ-બે વર્ષથી મોટા દહીંસરા ખાતેનું મકાન ખાલી કરી દીધું હતું. જેલમાંથી મળ્યું નકલી દારૂ બનાવવાનું જ્ઞાનનકલી દારૂ બનાવવાનું આ નેટવર્ક જેલના સળિયા પાછળથી શરૂ થયું હતું. આરોપી રામદેવસિંહ ઝાલા અગાઉ મોરબી, જામનગર અને કચ્છની જેલમાં બંધ હતો ત્યારે અન્ય ગુનેગારોના સંપર્કમાં આવ્યો હતો. ત્યાંથી જ તેને અન્ય રાજ્યોના બુટલેગરો સાથે કોન્ટેક્ટ થયો હતો. આ કોન્ટેક્ટના આધારે તેણે મોરબીમાં નકલી દારૂની ફેક્ટરી શરૂ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જેલમાંથી મળેલા આ કાળા જ્ઞાનનો ઉપયોગ કરી આ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.વોટ્સએપ વિડીયો કોલથી શીખી દારૂની રેસીપીઆરોપીઓએ દારૂ બનાવવા માટે હાઈટેક ટેકનોલોજીનો સહારો લીધો હતો. રો-મટિરિયલ મંગાવ્યા બાદ દારૂ કઈ રીતે બનાવવો તેની રેસીપી અન્ય રાજ્યના નિષ્ણાતો પાસેથી વોટ્સએપ વિડીયો કોલ દ્વારા શીખવામાં આવી હતી. વિડીયો કોલમાં બતાવેલા માર્ગદર્શન મુજબ કેમિકલ અને અન્ય પદાર્થોનું મિશ્રણ તૈયાર કરવામાં આવતું હતું. ખાતરી કર્યા બાદ તેને બ્લેન્ડર પ્રાઈડની બોટલોમાં ભરીને અસલ વિદેશી દારૂ જેવું જ પેકિંગ કરી દેવામાં આવતું હતું.પિતાને બાયોડીઝલ હોવાનું કહી ગોડાઉન શરૂ કર્યુંનકલી દારૂની ફેક્ટરી મહેશ ઉર્ફે મુન્નો કાંજીયાના મકાનમાં ચાલતી હતી. બેરલ અને કેમિકલ જોઈને શંકા ન જાય તે માટે મહેશે પોતાના પિતાને ખોટું કહ્યું હતું. તેણે પિતાને સમજાવ્યું હતું કે આ બાયોડીઝલ છે અને તેનો ઉપયોગ ટ્રેક્ટરમાં બળતણ તરીકે કરવાનો છે. આ બહાના હેઠળ તેણે ઘરમાં જ દારૂ બનાવવાનો ગેરકાયદેસર કાળો કારોબાર શરૂ કરી દીધો હતો અને પરિવારને પણ અંધારામાં રાખ્યો હતો.50 ટકા સસ્તામાં દારૂની પેટી તૈયાર થતીઆ નકલી દારૂના વેચાણ પાછળ મોટો આર્થિક નફો છુપાયેલો હતો. ઓરીજીનલ દારૂ બીજા રાજ્યમાંથી જે હોલસેલ ભાવે મળે છે. તેના કરતાં અડધા ભાવે જ આ ડુપ્લીકેટ દારૂ બનાવી શકાય છે. ઉપરાંત બીજા રાજ્યમાંથી ટ્રકમાં દારૂ આવે ત્યારે ટ્રાન્સપોર્ટેશનમાં જો પકડાઈ જાય તો જેલ પણ થાય અને આર્થિક નુકસાન પણ થાય. આ જોખમ ટાળવા જાતે જ નકલી દારૂ બનાવવા માટે આરોપી પ્રેરાયા હતા. દરોડા સમયે 23 જેટલી પેટીઓ વેચાણ માટે તૈયાર હાલતમાં મળી આવી હતી જે દર્શાવે છે કે મોટા પાયે સપ્લાયની તૈયારી હતી.