ડો.સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબના આગમનને લઈને દાઉદી વ્હોરા સમાજમાં ભારે ઉત્સાહ : નાની બજાર સહિતના વિસ્તારોને શણગારાયામોરબી અપડેટ : મોરબી શહેરમાં વસતા દાઉદી વ્હોરા સમાજ માટે આગામી બુધવાર, ગુરુવાર અને શુક્રવાર વિશેષ આધ્યાત્મિક આનંદ અને ઉત્સાહનો અવસર બની રહ્યો છે. દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ મૌલા ડૉ. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (TUS) મોરબી પધારવાના હોવાથી સમગ્ર સમાજમાં ખુશીની લહેર પ્રસરી છે અને અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.મૌલા સાહેબના પધરામણને લઈને સમાજના આગેવાનો, યુવાનો, મહિલાઓ તેમજ વડીલો દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. મૌલા સાહેબના આગમનની ખુશી મોરબીની શેરીઓમાં પણ ઝળહળી રહી છે. ખાસ કરીને મોરબીની નાની બજાર અને ફકરી પાર્ક વિસ્તારમાં આવેલા દાઉદી વ્હોરા સમાજના વિસ્તારોમાં શેરી-ગલીઓ, મકાનો અને દુકાનોને આકર્ષક રીતે સજાવવામાં આવી રહ્યા છે. રંગબેરંગી ડેકોરેશન, રોશની અને સુંદર શણગારથી સમગ્ર વિસ્તાર જાણે ઉત્સવના રંગે રંગાયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે.સાંજના સમયે રોશનીથી ઝળહળતા વિસ્તારોમાં આસ્થા અને આનંદનો અદભુત સંગમ જોવા મળે છે. મકાનો અને દુકાનો પર કરેલા ભવ્ય શણગાર થકી સમાજજનો પોતાના ધર્મગુરુ પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. દાઉદી વ્હોરા સમાજ માટે મૌલા સાહેબનું પધરામણ એ આસ્થા, શ્રદ્ધા, એકતા અને આધ્યાત્મિક પ્રેરણાનો પાવન અવસર છે. મૌલા સાહેબને આવકારવા મોરબીનો દાઉદી વ્હોરા સમાજ સંપૂર્ણપણે સજ્જ છે અને શહેરમાં ચારેબાજુ ભક્તિભાવ સાથે આનંદ અને ઉમંગનો માહોલ છવાયો છે. તેમ યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #DawoodiBohra #SyednaMufaddalSaifuddin #MorbiNews #ReligiousEvent #Morbi