10 દિવસમાં ધાર્મિક સ્થળોએ ચોરીની બીજી ઘટનાથી રોષ: ગ્રામજનો દ્વારા પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગમોરબી અપડેટ: માળિયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે તસ્કરો બેફામ બન્યા હોય તેમ ધાર્મિક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. આજે ધોળા દિવસે એક તસ્કરે દેરાસરમાંથી હાથફેરો કર્યો હતો. ગામમાં છેલ્લા 10 દિવસમાં મંદિરોમાં ચોરીની 2 ઘટનાઓ સામે આવતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ સાથે રોષ ફેલાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, ખાખરેચી ગામે આવેલા દેરાસરમાં આજે સવારે આશરે 11 વાગ્યાના અરસામાં ચોરીની ઘટના બની હતી. ધોળા દિવસે મંદિરમાં પ્રવેશેલા અજાણ્યો તસ્કર મૂર્તિના ગળામાંથી 1 ગ્રામ સોના વાળા હારની ચોરી કરી પલાયન થઈ ગયો હતો. ચોરીની આ સમગ્ર કરતૂત અને ચોરનો ચહેરો મંદિરના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગયો છે. પહેલા તસ્કરે રામજી મંદિરમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો. પહેલા તે ત્યાં દર્શન કરી રહ્યો હતો ત્યારે કોઈ આવી જતા તેને ચોરી કરવાની તક મળી ન હતી.ઉલ્લેખનીય છે કે, આશરે 10 દિવસ પહેલાં જ ખાખરેચીમાં આવેલા અંબાજી માતાજીના મંદિરમાંથી પણ તસ્કરો દાનપેટી ચોરી ગયા હતા. ટૂંકા ગાળામાં જ ગામના ધાર્મિક સ્થળોએ ઉપરાઉપરી ચોરીના બનાવો બનતાં સ્થાનિકોમાં કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે. ખાખરેચી ગામમાં તાત્કાલિક ધોરણે પોલીસનું સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ ઉઠાવી છે.#Morbi #Khakhrechi #TempleTheft #MorbiCrime #CCTVFootage #MorbiPolice #MaliyaMiyana #MorbiUpdate