ટંકારા (મોરબી અપડેટ): ટંકારાથી કોઠારીયા જવાના રસ્તે આવેલ એડિકા ઇન્ડસ્ટ્રીઝ એલ.એલ.પી. સોલાર કંપની દ્વારા નિયમોનો ભંગ કરીને જોખમી રીતે 11 KV નો અન્ડરગ્રાઉન્ડ વીજ વાયર નાખવામાં આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા, ટંકારાના બે જાગૃત નાગરિકોએ મામલતદાર કચેરી બહાર પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.ટંકારાના રહેવાસી હેમંતભાઈ મોહનભાઈ દુબરીયા અને દિનેશભાઈ કરશનભાઈ સોલંકી દ્વારા મોરબી કલેક્ટર, ટંકારા મામલતદાર અને પોલીસ સ્ટેશનને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ખેડૂતોએ જણાવ્યું છે કે, એડિકા કંપનીએ સોલાર પાવર હડમતિયા સબ-સ્ટેશન સુધી પહોંચાડવા માટે કોઠારીયાના રસ્તે 11 KV ની વીજ લાઈન નાખી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) ની શરત મુજબ આ વાયર રસ્તાની મધ્યરેખાથી અને નાળા/પુલિયાથી 6 મીટર દૂર નાખવાનો હતો, પરંતુ કંપનીએ રસ્તા અને નાળાની સાવ નજીક જ વાયર નાખી દીધો છે. આ રસ્તે ચોમાસા દરમિયાન ભારે પાણી ભરાયેલું રહે છે અને બાજુમાં સિંચાઈનું તળાવ પણ છે. રસ્તા પરથી પદયાત્રીઓ અને શિતળા માતાના મંદિરે જતા દર્શનાર્થીઓની ભારે અવરજવર રહેતી હોવાથી શોર્ટ સર્કિટના કારણે મોટી જાનહાનિ થવાનો ભય છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, જ્યારે તેમણે કંપનીના ભાગીદાર પરેશભાઈ મોરડીયાને નોટિસ આપી, ત્યારે તેમણે ખેડૂતો પર બ્લેકમેઇલિંગનો આરોપ લગાવી ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અગાઉ કંપની દ્વારા સર્વે નં. 337 અને 360 માં ગેરકાયદેસર ખનન કરી 1500 થી 2000 ટ્રેક્ટર જેટલી માટી ઉપાડી લેવા અંગે પણ સત્તાધીશોને પત્રથી જાણ કરવામાં આવી હતી.ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આ કંપની સામે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે અને તેમને ન્યાય નહીં મળે, તો તેઓ 10/08/2026 ના રોજ સવારે 11 વાગ્યાથી ટંકારા મામલતદાર કચેરી બહાર પ્રતીક ઉપવાસ આંદોલન પર ઉતરશે અને જો કોઈ અઘટિત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.#Morbi #Tankara #FarmersProtest #MorbiUpdates #MorbiNews #GujaratNews