35 વર્ષથી વધુ જૂની જર્જરિત લાઈન અંગે રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધીન, ચાલુ ટ્રેક્ટરે ખેતરમાં તાર તૂટતા મોટી જાનહાનિ ટળીમોરબી અપડેટ : મોરબી તાલુકાના નીચી માંડલ ગામે જેટકો કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. ગામની સીમમાંથી પસાર થતી 35 વર્ષથી વધુ જૂની 220 KV ની વીજલાઇનનો તાર આજે ફરી બીજી વખત તૂટી પડ્યો હતો. સદનસીબે ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહેલા ખેડૂતનો આબાદ બચાવ થયો હતો, પરંતુ વારંવાર બનતી આ જીવલેણ ઘટનાથી સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.નીચી માંડલ ગામના ખેડૂતે વીડિયો મારફતે પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, આ 220 KV ની વીજલાઇનનો તાર આજથી 10 દિવસ પહેલા પણ તૂટી ગયો હતો, ત્યારે તેઓ ખેતરમાં ટ્રેક્ટર ચલાવી રહ્યા હતા. ત્યારબાદ તારીખ 07/09/2026 ના રોજ બપોરે 2:15 વાગ્યાની આસપાસ ફરીવાર આ લાઈનનો બીજો તાર ચાલુ ટ્રેક્ટરે અચાનક તૂટી પડ્યો હતો. તાર તૂટ્યો ત્યારે ટ્રેક્ટર ચલાવી રહેલા ખેડૂતનો માંડ માંડ બચાવ થયો હતો.ખેડૂતોનો આક્ષેપ છે કે આ જર્જરિત લાઈન અંગે પોલીસ ચોપડે અને જેટકો કચેરીએ અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. જેટકોના લોકોએ રોજ કામ કરવા આવવાની ખાતરી આપી હતી, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી થઈ નથી કે કોઈ અધિકારી ત્યાં ફરક્યા નથી. ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ વીજલાઇનનો તાર કોઈ ખેડૂત કે મજૂરના માથે પડે અને મોટી જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની રહેશે? તંત્ર દ્વારા વહેલી તકે આ જોખમી વીજલાઇનનું યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GETCO #PowerLine #NichiMandal #FarmersIssue #GujaratFarmers #MorbiDistrict