માતા - પુત્રના જોઈન્ટ બચત ખાતામાં મોબાઈલ નંબર બદલવા માતાએ પુત્રની ખોટી સહી કર્યાની ફરિયાદહળવદ : હળવદ શહેરની પોસ્ટ ઓફિસમાં માતા સાથે જોઈન્ટ બચત એકાઉન્ટ ધરાવતા યુવાને પોતાની સગી માતાએ પોતાની જાણ બહાર પોસ્ટ બચત ખાતાના એકાઉન્ટ નંબરમાં મોબાઈલ નંબર બદલવા માટે પુત્રની ખોટી સહી કરી મોબાઈલ નંબર બદલી નાખતા બનાવ અંગે હાલમાં રાજકોટ રહેતા પુત્રએ માતા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પ્રાપ્ત વિગતો મુજબ પાંચ વર્ષ પૂર્વે માતાપિતામાં છુટા છેડા બાદ હાલમાં રાજકોટ રહેતા અને એલએલબીનો અભ્યાસ કરતા ફરિયાદી પાર્થ અનિલભાઈ માનસેતાએ પોતાના માતા નયનાબેન માણેકલાલ મેઢા રહે.ગિરનારી નગર, હળવદ વાળાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ફરિયાદી પાર્થ અને તેમના માતા નયનાબેનનું હળવદ પોસ્ટ ઓફિસમાં જોઈન્ટ બચત ખાતું આવેલ છે. જેમાં પાર્થભાઈના માતાએ પાર્થભાઈની જાણ બહાર પોસ્ટ એકાઉન્ટમાં મોબાઈલ નંબર બદલી નાખતા પોસ્ટ વિભાગનો મેસેજ આવતા આ બાબતે પોસ્ટ વિભાગને ફરિયાદ કરતા મોબાઈલ નંબર બદલવા માટે નયનાબેને પાર્થભાઈની ખોટી સહી કરી હોવાનું સામે આવ્યું હતું.બનાવ અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.