20 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજૂર : મુખ્ય સૂત્રધાર હજુ ફરારમોરબી અપડેટ : માળિયા (મીં.) તાલુકાના મોટા દહીંસરા ગામે ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવતી ફેક્ટરી પર મોરબી એલસીબી ટીમે દરોડો પાડી 5 આરોપીઓને ઝડપી લીધા હતા. આ તમામ 5 આરોપીઓને પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસ આ કેસના ફરાર મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા તેમજ દારૂના આ કૌભાંડમાં અન્ય કોની કોની સંડોવણી છે ઉપરાંત મટીરીયલ કઈ રીતે અહીં લાવ્યા હતા તે જાણવા રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ ચલાવી રહી છે.મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ એસ.પી. જાડેજાને મળેલી ખાનગી બાતમીના આધારે પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને વી.જી. માલાણી સહિતની ટીમે મોટા દહીંસરા ગામે કૃષ્ણનગર વિસ્તારમાં મહેશ ઉર્ફે મુન્નો કાંજીયાના મકાનમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે ફેક્ટરી ચલાવતા મહેશ ઉર્ફે મુન્નો કાંજીયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, વિક્કી ઉર્ફે કાનો સીંધવ અને વિક્રમભાઈ ધંધુકીયા નામના 5 શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે આ સમગ્ર નેટવર્કનો માસ્ટરમાઇન્ડ અજયસિંહ ભાવુભા જાડેજા રેડ દરમિયાન ફરાર થઈ ગયો હતો.પોલીસના દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી મોટા પ્રમાણમાં નકલી દારૂ અને સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 20,75,444 રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ કેમિકલથી દારૂ બનાવી તેને બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની બોટલમાં ભરી બજારમાં વેચવાની પેરવીમાં હતા. આરોપીઓએ ખાલી બોટલો 2 થી 3 દિવસ પહેલા જ મંગાવી હતી અને ફેક્ટરીમાં પેકિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું ત્યારે જ એલસીબી ત્રાટકી હતી. માળિયા પોલીસે ગુનો નોંધીને રિમાન્ડ પર રહેલા તમામ 5 આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.કેવી રીતે બનાવતા હતા ડુપ્લીકેટ દારૂ? આરોપીઓ મોટા દહીંસરામાં મહેશ કાંજીયાના મકાનમાં અલગ-અલગ અજાણ્યા કેમિકલ્સ, માલ્ટ, ફુડ કલર તથા પાણી ભેળવી હલકી પ્રકારનો ડુપ્લીકેટ વિદેશી દારૂ તૈયાર કરતા હતા. આ પ્રવાહી તૈયાર થયા બાદ તેને બ્લેન્ડર પ્રાઈડ સિલેક્ટ પ્રીમિયમ વ્હિસ્કીની કાચની ખાલી બોટલોમાં ભરવામાં આવતું હતું. દારૂ અસલી લાગે તે માટે બોટલ પર ડુપ્લીકેટ બારકોડ, ક્યુઆર કોડ અને ઓરિજિનલ જેવા જ સ્ટીકર તથા ઢાંકણા લગાવીને તેને બજારમાં અસલી તરીકે વેચવાનું સુવ્યવસ્થિત કાવતરું હતું.દરોડામાં શું-શું મુદ્દામાલ ઝડપાયો? પોલીસે દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કીની 276 ભરેલી બોટલો અને 1224 ખાલી બોટલો જપ્ત કરી હતી. આ સાથે 175 લીટર કેમિકલયુક્ત પ્રવાહી, 400 લીટર ઈથેનોલ કેમિકલ, 15 લીટર માલ્ટ અને ફુડ કલર પણ કબજે કરાયા હતા. આ ઉપરાંત 6,50,000 રૂપિયાની રોકડ રકમ, 6,00,000 રૂપિયાની મારુતિ વિટારા બ્રેઝા કાર (GJ36BB0149), 7 મોબાઈલ ફોન અને આલ્કોહોલ માપવાનું મીટર મળીને કુલ 20,75,444 રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.ક્યાંથી આવતો હતો કાચો માલ અને કેમિકલ? આ નકલી દારૂ કાંડનું પગેરું રાજસ્થાન સુધી લંબાયેલું હોવાનું સામે આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે કે દારૂ બનાવવા માટે જરૂરી ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું કેમિકલ, માલ્ટ અને અન્ય સાધન-સામગ્રી રાજસ્થાનથી સપ્લાય કરવામાં આવતી હતી. મુખ્ય સૂત્રધાર અજયસિંહ જાડેજા જ્યારે અગાઉ કચ્છની પાલારા જેલમાં હતો, ત્યારે ત્યાં રહેલા રાજસ્થાનના એક આરોપી સાથે મળીને આ ગોરખધંધાનું આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું.બે જગ્યાએ ચાલતું નેટવર્ક: કોની શું ભૂમિકા? આ ગેરકાયદેસર ફેક્ટરીનું નેટવર્ક બે મકાનોમાં વહેંચાયેલું હતું. મહેશ કાંજીયાના મકાનમાં બેરલોમાં કેમિકલનું મિશ્રણ કરીને દારૂનું પ્રવાહી તૈયાર થતું હતું. ત્યારબાદ આ પ્રવાહી અજયસિંહ જાડેજાના દરબારગઢ વિસ્તારના રહેણાંક મકાને મોકલાતું, જ્યાં અન્ય 4 આરોપીઓ કર્મરાજસિંહ, રામદેવસિંહ, વિક્કી અને વિક્રમભાઈ પેકિંગ અને બોટલિંગની કામગીરી કરતા પકડાયા હતા. ફરાર મુખ્ય આરોપી અજયસિંહ અગાઉ પણ પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.