30 એકરના વિશાળ કેમ્પસમાં સાત માળનું અદ્યતન બિલ્ડીંગ હશે અનેક સુવિધાઓથી સજ્જ : હાર્ટ, કેન્સર, સ્કિન અને યુરોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર પણ હશે ઉપલબ્ધમોરબી અપડેટ : જિલ્લો બન્યાના 13 વર્ષ બાદ સીરામીક નગરી મોરબી હવે આરોગ્યક્ષેત્રે સંપૂર્ણ આત્મનિર્ભર બનવા જઈ રહી છે. ખખડધજ જૂની સિવિલ હોસ્પિટલના દિવસો હવે ભૂતકાળ બની જશે, કારણ કે આગામી માર્ચ 2027 માં મોરબી-રાજકોટ હાઇવે પર શનાળા નજીક નિર્માણ પામી રહેલી અતિ આધુનિક નવી સિવિલ હોસ્પિટલ શરૂ થવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ હોસ્પિટલનું કામ હવે આખરી તબક્કામાં પહોંચી ગયું છે, જેથી આગામી છ મહિનામાં શહેરના ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને એક જ છત નીચે શ્રેષ્ઠ તબીબી સારવાર મળતી થશે. 775 બેડની વિશાળ ક્ષમતા ધરાવતી આ હોસ્પિટલમાં મેડિકલ કોલેજના સહયોગથી હાર્ટ, કેન્સર, સ્કિન અને યુરોલોજી જેવી સુપર સ્પેશિયાલિટી સારવાર પણ ઉપલબ્ધ બનશે.સીરામીક ઉદ્યોગ થકી વૈશ્વિક નામના મેળવનાર મોરબી શહેરને વર્ષ 2013માં તાલુકામાંથી જિલ્લાનો દરજ્જો હાંસલ થવા છતાં આરોગ્યક્ષેત્રે ગાંધીચોકમાં આવેલ વર્ષો પુરાણી સરકારી હોસ્પિટલ સિવાય વધારાની સુવિધા મળી ન હતી, જો કે, વર્ષ 2022માં મોરબીને જીએમઈઆરએસ મેડિકલ કોલેજ મળતા મોરબી શહેર-જિલ્લાના નાગરિકોને આરોગ્ય સેવામાં સુધારા થયા છે,બીજીતરફ આરોગ્ય વિભાગ દ્વારા મોરબીને મેડિકલ કોલેજ મળ્યા બાદ રાજકોટ-મોરબી હાઇવે પર શનાળા નજીક અંદાજે 30 એકર વિશાળ જગ્યામાં મેડિકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ, બોયઝ-ગર્લ્સ હોસ્ટેલ અને સ્ટાફ ક્વાટર્સ માટેનો પ્રોજેક્ટ મંજુર કરતા હાલમાં અહીં મેડિકલ કોલેજ તેમજ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ કાર્યરત થઇ ચુકી છે.જો કે, મોરબી શહેર-જિલ્લાની ભવિષ્યની જરૂરિયાત તેમજ સીરામીક, પેપરમિલ, લેમિનેટ્સ સહિતના ઉદ્યોગોને ધ્યાને લઈ મોરબી ખાતે મેડિકલ કોલેજ સલંગ્ન હોસ્પિટલ માટે સરકારે ઉદાર નિર્ણય લઈ અહીં મેડિકલ કોલેજની સાથે જ નવી 750થી 775 બેડની ક્ષમતા વાળી નવી સિવિલ હોસ્પિટલ પણ મંજુર કરી હોય હાલ સાત માળની નવી સિવિલ હોસ્પિટલની કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે, ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ સંભવતઃ આગામી માર્ચ મહિનામાં મોરબીને નવી સિવિલ હોસ્પિટલની સેવા મળતી થશે, સાત માળની વિશાળ સિવિલ હોસ્પિટલમાં વર્તમાન ગાયનેક, આંખ, કાન, નાક, ગળાના વિભાગ, ફિઝિયોથેરાપી, ઓર્થોપેડિક, ગાયનેક, જનરલ મેડિસિન ઉપરાંત આગામી સમયમાં કાર્ડિયાક, યુરોલોજી, કેન્સર સહિતના નવા સપુર સ્પેશિયાલિટી વિભાગો પણ કાર્યરત કરવામાં આવી શકે છે. નવી હોસ્પિટલમાં નાના-મોટા 12 ઓપરેશન થિયેટર અંદાજે 30 એકર જમીન પર પથરાયેલ મોરબી શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં કુલ સાત માળનું અદ્યતન બિલ્ડીંગ રહેશે જેમાં ઓપીડી, આઇપીડી, ઇમરજન્સી સહિતના વિભાગો ઉપરાંત નવી સિવિલ હોસ્પિટલમાં નાના મોટા 11થી 12 જેટલા ઓપરેશન થિયેટર પણ બનાવવાં આવ્યા છે જેમાં જનરલ સર્જરી, ગાયનેક, પીડિયાટ્રિક સર્જરી, કાર્ડિયાક, ઓર્થોપેડિક, ડેન્ટલ, પ્લાસ્ટિક સર્જરી સહિતના વિભાગો માટે અનુકૂળ ઓપરેશન થિયેટરની સુવિધા વિકસાવવામાં આવી છે.ક્લાસ-1,2 અને 3ના અધિકારી- કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ હશેમોરબી શહેરમાં હાલમાં ગાંધીચોક ખાતે વર્ષો જૂની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફ માટે સીમિત સ્ટાફ ક્વાટર્સ છે પરંતુ હોસ્પિટલની જેમ જ સ્ટાફ ક્વાટર્સની દશા પણ ઠીકઠાક છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં કુલ મળી 108 સ્ટાફ ક્વાટર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ક્લાસ-1 અધિકારીઓ માટે 4-બેડ, હોલ, કિચનની સુવિધા સાથેના 28, ક્લાસ-2 કર્મચારીઓ માટે 3-બેડ, હોલ,કિચનની સુવિધા સાથેના 24 સ્ટાફ ક્વાટર્સ તેમજ ક્લાસ-3 કર્મચારીઓ માટે 2-બેડરૂમ, હોલ,કિચન સાથેના 56 સ્ટાફ ક્વાટર્સ નિર્માણ થઇ રહ્યા છે.જેથી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબથી લઈ સ્ટાફ નર્સ અને ક્લેરિકલ કર્મચારીઓને પણ કેમ્પસમાં જ રહેણાંકની સુવિધા મળશે.હોસ્પિટલનો સંપૂર્ણ ત્રીજો માળ આઇસીયુ યુનિટ મોરબીની નવી સિવિલ હોસ્પિટલમાં કુલ સાત માળ બનાવવામાં આવ્યા છે જેમાં અગાઉ પાંચમા કે છઠ્ઠા મજલા પર આઇસીયુ વિભાગ નિર્માણ કરવા નક્કી કરાયું હતું પરંતુ ગાંધીનગરથી સૂચના આવતા હવે નવી સિવિલ હોસ્પિટલનો સમગ્ર ત્રીજો માળ આઇસીયુ માટે ફાળવવામાં આવ્યો છે.હાલ નવી સિવિલ હોસ્પિટલની કામગીરી આખરી તબક્કામાં ચાલી રહી છે.36 મૃતદેહો સાચવી શકાય તેવી મોર્ચ્યુઅરીની સુવિધા મોરબી ખાતે નિર્માણાધીન સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે અલગ-અલગ વિભાગોની સાથે અહીં ભવિષ્યની જરૂરતને ધ્યાને લઈ આરોગ્ય વિભાગ દ્વારા વિશાળ મોર્ચ્યુઅરીની સુવિધા અહીં વિકસાવવામાં આવી છે, હાલમાં મોરબીની સિવિલ હોસ્પિટલમાં પીએમરૂમ અને મોર્ચ્યુઅરી સુવિધા શૂન્ય સમાન છે ત્યારે મોટી દુર્ઘટના કે કુદરતી કે માનવ સર્જિત આપદા સમયે ભગવાન જરૂરત ન પડવા દે છતાં ઉદ્યોગ અને નેશનલ હાઈવેને ધ્યાને લઇ અહીં 36 મૃતદેહ રાખી શકાય તેવો મોર્ચ્યુઅરી વિભાગ પણ નિર્માણ કરવામાં આવ્યો છે.