પંદર દિવસ પૂર્વે બનેલા બનાવમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ફરિયાદ હળવદ : હળવદની તક્ષશીલા વિદ્યાલયમાં એક વિદ્યાર્થી પાઇપ પર બેઠો હોય ત્યારે અન્ય વિદ્યાર્થી પાઇપ ઉપર ચડતા પાઇપ પર બેઠેલ વિદ્યાર્થી નીચે પટકાતા રોષે ભરાયેલા વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને જાતિ પ્રત્યે અપમાનિત કરી ગુપ્ત ભાગે લાત મારતા વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચી હતી.પંદર દિવસ પૂર્વે બનેલ બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા, પોલીસે વિદ્યાર્થી સામે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.પ્રાપ્ત વિગતો મુજબ, હળવદની તક્ષશીલા વિદ્યાલયમાં ગત તા.૨૧/૦૮/૨૦૨૬ના રોજ બપોરના એકાદ વાગ્યાના અરસામાં નજીવી બાબતે એક ગંભીર ઘટના બની હતી. જેમાં એક વિદ્યાર્થી લોખંડના પાઇપ પર બેઠો હતો ત્યારે ભોગ બનનાર વિદ્યાર્થી પાઇપ ઉપર ચડતા પાઇપ પર બેઠેલ વિદ્યાર્થી નીચે પટકાતા આરોપી વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને જાતિ પ્રત્યે અપમાનિત કરી તેના ગુપ્ત ભાગે પગથી લાત મારી હતી. જેના કારણે વિદ્યાર્થીના ડાબા શુક્રપિંડમાં ગંભીર ઇજા પહોંચી હતી અને ડાબી સાઈડનું શુક્રપિંડ કાયમી નાશ પામ્યું હતું. બનાવ અંગે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારની ફરિયાદને આધારે હળવદ પોલીસે એટ્રોસિટી અધિનિયમ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.