માત્ર 3 ઇંચ વરસાદ પડતાં કપાસ અને મગફળીનો પાક મુરઝાયો: ખેડૂતોનો બિયારણ અને દવાનો ખર્ચ નિષ્ફળ જવાની ભીતિમોરબી અપડેટ : મોરબી તાલુકાના આમરણ ચોવીસી પંથકમાં આ વર્ષે ચોમાસામાં નહિવત વરસાદ પડતા ખેડૂતોની હાલત કફોડી બની છે. શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી, પરંતુ છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા મહામૂલો પાક સુકાઈ રહ્યો છે, જેને પગલે પંથકના 15 જેટલા ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠી છે.પ્રાપ્ત વિગતો મુજબ, કિસાન અગ્રણી મોહનભાઈ જીલરીયા દ્વારા ત્રિકમભાઈ છાંગાને પત્ર પાઠવીને મોરબી તાલુકાના આમરણ ચોવીસી પંથકના 15 ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરવામાં આવી છે.ખેડૂતોની વર્તમાન પરિસ્થિતિ અંગે જણાવવામાં આવ્યું છે કે, આમરણ ચોવીસી પંથકમાં જુલાઈ માસમાં માત્ર 3 ઇંચ જેટલો જ સામાન્ય વરસાદ નોંધાયો હતો. આ વરસાદને પગલે 15 ગામોના ખેડૂતોએ આશાભેર કપાસ, મગફળી સહિતના કૃષિ પાકોનું વાવેતર કરી દીધું હતું. વાવણી બાદ છેલ્લા એક મહિનાથી વરસાદ ન થતાં હાલ મુખ્યત્વે કપાસ અને મગફળીનો પાક મુરઝાઈ જવા પામ્યો છે. હવે જો વરસાદ થાય તો પણ આ પાકને કોઈ ફાયદો થવાની સંભાવના નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોની મહેનત ખાતર, દવા અને બિયારણ પાછળ કરેલો જંગી ખર્ચ નિષ્ફળ જવાનો ભય સેવાઈ રહ્યો છે.સરકારના ઠરાવ મુજબ, જે વિસ્તારમાં 10 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હોય અથવા વાવણી બાદ સતત એક મહિના સુધી વરસાદ ન પડે તો તેવા કૃષિ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવાની જોગવાઈ છે. આ નિયમ મુજબ, આમરણ ચોવીસી પંથકના ગામોમાં વરસાદના અભાવે પાક નિષ્ફળ જવાની અણી પર હોવાથી, સત્વરે આ વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને આર્થિક રાહત સહાય ચૂકવવામાં આવે તેવી પ્રબળ માંગણી કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #FarmersIssue #RainScarcity #AmranChovisi #Agriculture #CropDamage #GujaratFarmers