ગત ચૂંટણીમાં ભાજપના સતાધીશોએ બેલેટ પેપર બહાર કાઢીને કોણે કોને મત આપ્યો તે જાણીને મતદારોને ધમકાવ્યા હોવાનો આક્ષેપ મોરબી અપડેટ : મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ની આગામી સામાન્ય ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાની આગેવાનીમાં ખેડૂત પરિવર્તન પેનલના ઉમેદવારોએ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રૂબરૂ મળીને નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણી યોજવા માટે રજૂઆત કરી છે. આ ઉપરાંત મતદાનમાં ગુપ્તતા જળવાઈ રહે તેવી ખાસ માંગ ઉઠાવી જો કોઈ ચૂક થશે તો આંદોલનની પણ ચીમકી ઉચારી છે.બગથળાના સતિષ ભાણજીભાઈ મેરજા દ્વારા APMC મોરબીના ચૂંટણી અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં માંગણી ઉઠાવવામાં આવી છે કે તમામ મતદાન મથકો અને મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે જેથી માર્કેટયાર્ડના સત્તાધીશો દ્વારા ડર કે ધમકીનું વાતાવરણ ઊભું ન થઈ શકે. મતદાન મથકો તેમજ મતગણતરી હોલ ખાતે સંપૂર્ણ પ્રક્રિયાનું વીડિયોગ્રાફી અને CCTV કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે. મતદાન મથકની આસપાસ બિનઅધિકૃત વ્યક્તિઓ કે તત્વોની અવરજવર પર સખત મનાઈ ફરમાવવામાં આવે. તમામ મતદારો (ખેડૂતો અને વેપારીઓ) કોઈપણ જાતના ભય કે પ્રલોભન વગર સ્વતંત્ર રીતે પોતાનો મત આપી શકે તેવી ભયમુક્ત વ્યવસ્થા ઊભી કરવામાં આવે.ચૂંટણી દરમિયાન કોઈપણ પક્ષના પોલીંગ એજન્ટો દ્વારા મતદાન કરવા આવેલ મતદારોના નામ લખવામાં ન આવે. મતદાન બેલેટમાં ક્રમ નંબર ન હોવા જોઈએ. જો મતદાન બેલેટ અને સહી વાળા બેલેટ (કાઉન્ટર ફોઈલ) પર એક સમાન નંબર હોય તો મતદાનની ગુપ્તતાનો ભંગ થાય છે. ગત APMC ચૂંટણીના પરિણામો બાદ મતદારોને જોઈને ધમકીઓ આપવામાં આવી હતી, તેથી સમગ્ર પ્રક્રિયા માટે તટસ્થ અને નિષ્પક્ષ અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. આ સામાન્ય ચૂંટણી મતદાન પ્રક્રિયામાં માર્કેટયાર્ડના (APMC) કર્મચારીઓને સામેલ ન કરવા.ગત ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો ભંગ થયો હોવાનો આક્ષેપપૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડૂત પરિવર્તન પેનલના તમામ ઉમેદવારો સતિષ મેરજા, નથુભાઈ કડીવાર, નયન અઘારા અને આનંદભાઈ સહિતના સભ્યોએ આજે કલેક્ટર અને ચૂંટણી અધિકારીને મળીને રજૂઆત કરી છે. તેઓએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોએ ગેરકાનૂની રીતે ગુપ્ત મતદાનનો ભંગ કર્યો હતો. થયેલા મતદાનના બેલેટ પેપર બહાર કાઢીને કોણે કોને મત આપ્યો છે તે જોઈને મતદારોને વ્યક્તિગત રીતે દબાવવામાં આવ્યા હતા.મતદારોને ભયમુક્ત થઈ મતદાન કરવા લલિત કગથરાની અપીલલલિત કગથરાએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ વખતે એક પણ મતદારનું મતદાન જોવામાં આવશે અથવા ગુપ્તતાનો ભંગ થશે, તો તેઓ સુપ્રીમ કોર્ટ સુધી લડત આપશે અને આંદોલન કરશે. તેઓએ મોરબી માર્કેટિંગ યાર્ડના તમામ મતદારોને ખાતરી આપતા જણાવ્યું હતું કે આ વખતે તેમનું મતદાન સંપૂર્ણપણે ગુપ્ત રહેશે અને કોઈની તાકાત નથી કે તેમનું મતદાન જોઈ શકે. આ માટે જીવ આપવો પડે તો પણ તૈયાર હોવાનું વચન તેમણે મતદારોને આપ્યું હતું. વધુમાં, એક યાદી અને ફોટોગ્રાફી દર્શાવીને તેમણે જણાવ્યું હતું કે મતદારોને કઈ રીતે દબાવવામાં આવે છે તેના પુરાવા પણ તેમની પાસે છે. આ મામલે ગાંધીનગર બજાર સમિતિના નિયામક અને ચૂંટણી અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે, અને જો ચૂંટણીમાં કોઈ છેડછાડ થશે તો પૂરી તાકાતથી લડી લેવાની તૈયારી પેનલ દ્વારા દર્શાવવામાં આવી છે.#Morbi #MorbiUpdate #APMCElection #LalitKagathara #Farmers #GujaratNews #MorbiAPMC