એલસીબીની કાર્યવાહી : દારૂ બને અને વેચાય તે પહેલા જ કેમિકલ, 1400 ખાલી બોટલો અને સ્ટીકરો સાથે 5 શખ્સોની ધરપકડમોરબી અપડેટ : મોરબી LCB ટીમે માળિયા મિયાણા તાલુકાના મોટા દહીસરા ગામે બે મકાનોમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે ત્યાં દરોડો પાડીને બ્લેન્ડર્સ પ્રાઇડની બોટલમાં ભરાતો નકલી દારૂનો જથ્થો કબ્જે લઈ પાંચ આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મહેશ ઉર્ફે મુનાભાઈ કાજીયા અને અજયસિંહ ભાવુભા જાડેજાના મકાનોમાં ચાલતા આ ગોરખધંધા પર LCBએ સચોટ બાતમીના આધારે દરોડા પાડીને મોટા પાયે નકલી દારૂ બનાવવાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આરોપીઓ નકલી દારૂ બનાવીને બજારમાં ઘુસાડવાની ફિરાકમાં હતા, પરંતુ દારૂ સંપૂર્ણપણે બને અને તેનું વેચાણ થાય તે પહેલા જ પોલીસે સમયસૂચકતા વાપરીને તમામ જથ્થો જપ્ત કરી લીધો છે. પોલીસે બંને મકાનોમાંથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું સાહિત્ય અને મોટી માત્રામાં કાચો માલ કબજે કર્યો છે.આ પ્રકરણમાં પોલીસે અજયસિંહ ભાવુભા જાડેજા અને મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા,વિક્કી ઉર્ફે કાનો સિંધવ, વિક્રમ ધંધુકિયા નામના પાંચ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 400 લીટર આલ્કોહોલ જેવું કેમિકલ, કેમિકલ વાળું પાણી, કલર અને એસેન્સનો જથ્થો, 1400 ખાલી દારૂની બોટલો અને બુચ, બ્લેન્ડર્સ પ્રાઇડ (Blender's Pride) વ્હીસ્કીના સ્ટીકર સહિતનો અન્ય સામાન જપ્ત કર્યો છે. આ ઓપરેશનથી પંથકના બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલ મોરબી પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તેની સઘન તપાસ શરૂ કરી છે.#Morbi #MorbiUpdate #MorbiLCB #LiquorRaid #GujaratPolice #Maliya #MotaDahisara #CrimeNews #MorbiNews