રંગપર ગામની સીમમાં ચા-પાનની દુકાન ચલાવતા યુવકના હાથ-પગ ભાંગી નાખનાર બે સામે ફરિયાદ નોંધાઇ.મોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં ચા-પાનની દુકાન ચલાવતા યુવકના બનેવી સાથે થયેલ ઝઘડાનો ખાર રાખી થાર અને સ્કોર્પિયોમાં આવેલ બે શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીની કાંતીનગર સોસાયટીમાં રહી રંગપર ગામની સીમમાં લાફાન્સ સિરામિક ફેકટરી પાસે ચા-પાનની દુકાન ધરાવતા ઈમરાનભાઈ કરીમભાઈ સમાણી ઉ.૩૭એ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.૫ સપ્ટેમ્બરની રાત્રે આશરે ૧ વાગ્યે આરોપી ફારૂક મોવર અને ઈરફાન બંને રહે. માળીયા(મી) વાળા થાર તથા સ્કોર્પિયો કારમા ફરિયાદીની હોટલ ખાતે આવી ફરિયાદી ઈમરાનભાઈ સાથે બનેવી અનવર માલાણી સાથેના મનદુઃખના કારણે ઝઘડો કરી લાકડાના ધોકા અને લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલામાં ઈમરાનભાઈના બંને પગ, બંને હાથ અને કમરના ભાગે ગંભીર ફ્રેક્ચરની ઇજાઓ થઈ હતી. ત્યારબાદ બન્ને હુમલાખોર જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. હાલ તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.