શિવમ જીન પાસે થયેલા અકસ્માતમાં બાઈક પાછળ બેઠેલા યુવકનું સારવાર દરમિયાન મોતટંકારા : ટંકારા- નેકનામ - રોહીશાળા રોડ પર રોહીશાળા નજીક આવેલ શિવમ જીન પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા કારની ઠોકર લાગતા મોટરસાયકલ પાછળ બેઠેલા યુવકને ગંભીર ઈજા થતાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું, જ્યારે મોટરસાયકલ ચાલકને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી.અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા. ૪ સપ્ટેમ્બરના રોજ બપોરના અરસામાં કેશનભાઈ પરુભાઈ બારીયા ઉવ.૪૨ રહે.હાલ રોહિશાળા ગામની સીમ નાથાભાઈ ઉકાભાઈ સવસાણીની વાડીમાં તા.ટંકારા મૂળ રહે.આંબલી મેનપુર ગામ ભગત ફળિયા તા.ધાનપુર જી.દાહોદ વાળા અને તેમની સાથે બાજુના ખેતરમાં કામ કરતા સોમાભાઈ બામણીયા બન્ને મોટરસાયકલ નંબર જીજે-૧૭-બીજે-૪૧૫૨ લઈ નેકનામ ગામથી રોહીશાળા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન શિવમ જીન પાસે સામેથી આવતી કાર નંબર જીજે-૩૬-એએફ-૬૪૫૮ના ચાલકે પૂરઝડપે અને બેદરકારીપૂર્વક પોતાની કાર હંકારી મોટરસાયકલને ઠોકર મારતા આ અકસ્માતમાં કેશનભાઈને જમણા પગમાં ફ્રેક્ચર તથા ચહેરા પર ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેઠેલા સોમાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં રાજકોટની સરકારી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સોમાભાઈનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઇજાગ્રસ્ત કેશનભાઈની ફરિયાદને આધારે ટંકારા પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.