શિક્ષક દિને આયોજિત કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે શાલ તેમજ સન્માનપત્ર અર્પણ કરાયામોરબી અપડેટ: મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા શિક્ષક દિન નિમિત્તે 5 સપ્ટેમ્બરના રોજ એક સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોરબી તાલુકાના આમરણ ખાતે આવેલ ભક્તિ શૈક્ષણિક સંકુલનું માર્ચ-2026 માં લેવાયેલ ધોરણ 10 અને ધોરણ 12 (સામાન્ય પ્રવાહ) ની બોર્ડની પરીક્ષામાં 100 ટકા ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરવા બદલ વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા મુકેશ પટેલના હસ્તે સંસ્થાના પ્રતિનિધિ શૈલેષ ગાંભવા તથા કિશોર કાસુન્દ્રાને શાલ ઓઢાડી અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતા સહિતના મહાનુભાવોએ ભક્તિ શૈક્ષણિક સંકુલના આ ઉત્કૃષ્ટ પરિણામને બિરદાવી સંચાલક મંડળ તેમજ શાળા સ્ટાફના પરિશ્રમને મળેલ અનેરી સફળતા બદલ ધન્યવાદ પાઠવ્યા હતા.ધોરણ 10 અને 12 ના 100 ટકા ઉજ્જવળ પરિણામ બદલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંકુલને સન્માનિત કરવા બદલ ભક્તિ શૈક્ષણિક સંકુલના ટ્રસ્ટી અને સંચાલક મીનલબેન ભાનસાલીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ આ સફળતાનો શ્રેય શાળા સ્ટાફના અથાક પરિશ્રમ, બાળકો સાથેના આત્મીય નાતા અને નિર્ભિક તથા રસપ્રદ શિક્ષણ પ્રણાલીના ત્રિવેણી સંગમને આપ્યો હતો. મોરબી જિલ્લાની નામાંકિત શાળાઓમાં ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવા બદલ સમગ્ર શાળા સંકુલના સ્ટાફને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.#MorbiUpdate #Amran #BhaktiShaikshanikSankul #EducationNews #BoardResults #TeachersDay #MorbiNews #Morbi