ડૉ. ભાવેશ જેતપરિયા દ્વારા 35 વર્ષની શૈક્ષણિક સેવા બાદ સાહિત્ય ક્ષેત્રે અનોખું પ્રદાન: મુખ્યમંત્રીના હસ્તે એક ગ્રંથનું વિમોચનમોરબી અપડેટ : મોરબી ઔદ્યોગિક નગરી તરીકે સુખ્યાત છે, સાથે જ કલા અને સાહિત્ય ક્ષેત્રે પણ એટલી જ સમૃદ્ધ છે. આવા જ એક સાહિત્યકાર, સર્જક, વિવેચક, સંશોધક અને સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ મોરબી પંથકમાં જાણીતું છે. 35 વર્ષ સુધી અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી નિવૃત્ત થયા બાદ પણ તેઓ સતત સાહિત્ય સર્જનમાં પ્રવૃત્ત છે.ડૉ. જેતપરિયાએ રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ જીવા ભગતની હસ્તપ્રતોમાં રહેલા સંતસાહિત્ય પર સંશોધન કરી Ph.D. ની પદવી મેળવેલ છે, જે ગુજરાતી સંતસાહિત્યમાં બહુમૂલ્ય પ્રદાન છે. આ વર્ષે તેમના 12 ગ્રંથો પ્રકાશિત થયા છે. જેમાં ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા પ્રકાશિત 'જીવાભગતનાં ભજનો' ગ્રંથનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રવીણ પ્રકાશન, રાજકોટ દ્વારા તેમની નવલકથા 'રંગ છે લખનજી!' અને વિજ્યા ગ્રાફિક્સ, સુરત દ્વારા સંશોધન અને સંપાદનલક્ષી 9 ગ્રંથો પ્રકાશિત કરવામાં આવ્યા છે.તેમના પ્રકાશિત ગ્રંથોમાં સંશોધન, સંપાદન, નવલકથા અને ચરિત્રનો સમાવેશ થાય છે. આગામી સમયમાં પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ દ્વારા તેમના સંશોધન અને સંપાદનના વધુ 4 ગ્રંથો, 3 વાર્તાસંગ્રહો અને કાવ્યાસ્વાદના 2 ગ્રંથો પ્રકાશિત થનાર છે, જે મોરબી જિલ્લાના સાહિત્યજગત માટે ગૌરવની વાત છે.ડૉ. જેતપરિયા અધ્યાપનની સાથે જાહેર કાર્યક્રમો અને સત્સંગ-કથાઓમાં સભા સંચાલક તરીકે, 15 વર્ષ સુધી ચૂંટણી તાલીમ અધિકારી તરીકે અને અનેકવિધ સામાજિક-શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. 35 વર્ષના અધ્યાપનકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતર માટે તેમણે સતત પુરુષાર્થ કર્યો છે.સતત પ્રવૃત્તિ દ્વારા કર્મશીલ વ્યક્તિત્વ ધરાવતા, પ્રમાણિક અને નિષ્ઠાવાન અધ્યાપક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયા મોરબી જિલ્લાનું ગૌરવ છે. મોરબી અપડેટ પરિવાર ડૉ. જેતપરિયાને તેમની આ સાહિત્યિક સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.#MorbiUpdate #MorbiPride #GujaratiLiterature #MorbiNews #DrBhaveshJetpariya #Sahitya