જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો, ધોરણ 10 અને 12માં પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓ તથા 100 ટકા પરિણામ મેળવનારી શાળાનું સન્માન કરાયુંમોરબી અપડેટ : મોરબી જિલ્લા કક્ષાના શિક્ષક દિનની ઉજવણીનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે માળિયા રોડ સ્થિત શારદા સ્કૂલ, આર્યાવર્ત સંકુલ ખાતે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન મોરબી જિલ્લામાં ધોરણ 10 અને 12માં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ તેમજ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું પણ સન્માન કરી તેમની શૈક્ષણિક સેવાઓને બિરદાવવામાં આવી હતી. જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક મેળવનાર નરેન્દ્રભાઈ કાલરિયાએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા.આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ શિક્ષકો, વિદ્યાર્થીઓ અને શાળાઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, મોરબી જિલ્લો છેલ્લા 4 વર્ષથી ધોરણ 10 અને 12ના પરિણામમાં રાજ્યમાં પ્રથમ ક્રમે આવી રહ્યો છે, જે ગૌરવની બાબત છે. શિક્ષકો ધારે તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2047ના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસમાં આગળ વધવા પ્રેરણા આપવી જોઈએ અને વ્યસનથી દૂર રહેવા જાગૃતિ લાવવી જોઈએ.આ તકે જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, આજના આધુનિક એ.આઈ. (AI) ના યુગમાં શિક્ષકોએ પણ સતત નવી બાબતો શીખતા રહેવું જોઈએ અને બદલાતા સમય સાથે શિક્ષણ પદ્ધતિમાં જરૂરી બદલાવ લાવવો જોઈએ.જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષકોએ બાળકોમાં નૈતિકતા, સમયપાલન અને પારિવારિક મૂલ્યોનું સિંચન કરવું જોઈએ, જેથી સમાજમાં ગુનાખોરી આપોઆપ ઘટી શકે.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ સૌને શિક્ષક દિનની શુભકામનાઓ પાઠવી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન અને કાર્યોને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાચાર્ય સંજય મહેતા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની આયોજન વ્યવસ્થા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી મહેશ ગાંભવા, ઈ.આઈ. ધર્મિષ્ઠાબેન, હિતેષભાઇ સરદવા અને સતીષભાઈ ધનજા વગેરેએ સંભાળી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #TeachersDay #Education #MorbiDistrict #Gujarat