મકાનના પ્લોટ મુદ્દે તકરાર થતાં ધોકા અને પથ્થર વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી : 4 શખ્સો સામે ગુનો દાખલમોરબી અપડેટ : હળવદ તાલુકાના દેવપુર (સુખપર) ગામે મકાનના પ્લોટ બાબતે થયેલી તકરારમાં પિતા અને તેના બે પુત્રો પર ધોકા તેમજ પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ અને તેમના પુત્રોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.બનાવની વિગતો મુજબ, દેવપુર (સુખપર) ગામે રહેતા 61 વર્ષીય ખેડૂત જેસીંગભાઈ ખેંગારભાઈ પંચાસરા સવારના 9:00 વાગ્યા આસપાસ ગામમાં આવેલી દુકાન પાસે બેઠા હતા. તે વખતે દુકાનથી થોડે દૂર અજાભાઈ અમરશીભાઈના મકાનની દિવાલ પાસે તેમનો મોટો દીકરો સીંધાભાઈ અને ગામનો લાલજીભાઈ બહાદુરભાઈ પંચાસરા મકાનના પ્લોટ બાબતે બોલાચાલી કરતા હતા. જેથી જેસીંગભાઈ ત્યાં દોડી ગયા હતા. તે દરમિયાન લાલજીભાઈ ગાળો આપતો હોય, સીંધાભાઈએ ગાળો બોલવાની ના પાડતા લાલજીભાઈએ ઉશ્કેરાઈને હાથમાં રહેલો લાકડાનો ધોકો સીંધાભાઈના જમણા ખંભે ફટકારી દીધો હતો. આથી સીંધાભાઈએ નાના ભાઈ સમરથભાઈને ફોન કરીને બોલાવ્યો હતો. એવામાં લાલજીભાઈના પિતા બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરા પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડો કરી હાથમાં રહેલો પથ્થર જેસીંગભાઈના માથામાં મારી દીધો હતો. ત્યારબાદ બળદેવભાઈ કુકાભાઈ પંચાસરા અને કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા પણ ત્યાં ધસી આવ્યા હતા. જેમાં સમરથભાઈ પિતાને બચાવવા વચ્ચે પડતાં બળદેવભાઈએ પોતાના હાથમાં રહેલો ધોકો સમરથભાઈના માથામાં ફટકારી દીધો હતો. આ વેળાએ આસપાસના લોકો દોડી આવતાં વધુ મારમાંથી છોડાવ્યા હતા. જતાં-જતાં કરણભાઈએ જો હવે માથાકૂટ કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.ઇજાગ્રસ્ત જેસીંગભાઈ, સીંધાભાઈ અને સમરથભાઈને 108 મારફતે તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં જેસીંગભાઈને માથામાં ફ્રેક્ચર તથા 6 ટાંકા અને સમરથભાઈને માથામાં 4 ટાંકા આવ્યા હતા. આ બનાવ અંગે જેસીંગભાઈ પંચાસરાએ આરોપી લાલજીભાઈ બહાદુરભાઈ પંચાસરા, બહાદુરભાઈ કુકાભાઈ પંચાસરા, બળદેવભાઈ કુકાભાઈ પંચાસરા અને કરણભાઈ બહાદુરભાઈ પંચાસરા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે BNS તથા જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એ.એસ.આઈ. ભરૂભાઈ હનુભાઈ જીડીયાએ હાથ ધરી છે.#MorbiUpdate #HalvadNews #CrimeNews #GujaratPolice #MorbiDistrict #Halvad