ભેંસોને પાણી પાવા અને કામ પર રાખવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખીને લાકડી અને ઢીકાપાટુનો માર માર્યોમોરબી અપડેટ : મોરબી તાલુકાના બીલીયા ગામમાં આવેલ રોયલ એબ્રીસીવ કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને હાલ બીલીયા ગામે રહીને રોયલ એબ્રીસીવ કારખાનામાં સુપરવાઈઝરનું કામ કરતા 26 વર્ષીય દિનેશભાઈ સગથાભાઈ આલ તારીખ 02/09/2026 ના રોજ રાત્રે 8:30 વાગ્યાના અરસામાં મજૂરો લેવા માટે બીલીયા ગામના સરકારી દવાખાના પાસે ગયા હતા. આ સમયે પાછળથી બે મોટરસાયકલ પર બીલીયા ગામના અરમાનભાઈ ફારૂકભાઈ, ફારૂકભાઈ આદમભાઈ અને તોસીફભાઈ આવ્યા હતા.આ ત્રણેય શખ્સોએ દિનેશભાઈને 'કેમ અમારી બહેનો દીકરીઓને કારખાને કામે નથી રાખતો અને કેમ અમારી ભેંસોને તમારા કારખાને પાણી પાવા નથી દેતો' તેમ કહી ગાળો આપી હતી. અગાઉ અરમાનભાઈ સાથે ભેંસો પાવા બાબતે થયેલી માથાકૂટનો દિનેશભાઈએ ફોનમાં વિડીયો બનાવ્યો હતો, જે વિડીયો બાબતે પૂછીને ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા.ફારૂકભાઈએ પોતાની પાસે રહેલી લાકડી વડે દિનેશભાઈને માથાના ભાગે ફટકો માર્યો હતો, જ્યારે અરમાનભાઈ અને તોસીફભાઈએ આડેધડ ઢીકાપાટુનો માર મારી તેમને રોડ પર ઢસડ્યા હતા. આસપાસના લોકો ભેગા થઈ જતા હુમલાખોરો 'આજે તો બચી ગયો છે, હવે પછી ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપીને ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત દિનેશભાઈને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે દિનેશભાઈની ફરિયાદના આધારે મોરબી તાલુકા પોલીસે બી.એન.એસ. કલમ 115(2), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ તારીખ 03/09/2026 ના રોજ ગુનો નોંધી વધુ તપાસ કરવામાં આવી રહી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #Biliya #MorbiPolice #GujaratNews