મોરબી મહાપાલિકાનો ફૂડ વિભાગ તહેવારો ટાણે જ નિષ્ક્રિય : લોકોનું આરોગ્ય રામ ભરોષેએક જ સ્ટાફ હોવાનું જણાવી ફૂડ વિભાગે જ ખાણી-પીણીના વેપારીઓ માટે મોકળું મેદાન કરી દીધુંમોરબી અપડેટ : તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ હોવા છતાં મોરબી મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. શહેરમાં મીઠાઈ, ફરસાણ અને ખાણી-પીણીની દુકાનો અને રેસ્ટોરેન્ટમાં તહેવાર ટાણે ઘરાકી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ત્યારે લોકોને કેવી ખાદ્ય વસ્તુ પીરસાય રહી છે તે ચકાસવાની તસ્દી ફૂડ વિભાગે લીધી નથી. બીજી તરફ ફૂડ વિભાગે માત્ર હાજરી પુરાવા માટે અમુક વેઢે ગણાય તેટવી દુકાનોમાં આટો મારી સંતોષ માની લીધો હતો.શહેરમાં મીઠાઈ અને ફરસાણની 200 થી વધુ દુકાનો આવેલી છે. અને 100 થી વધુ હોટેલ અને રેસ્ટોરન્ટ આવેલ છે પરંતુ ફૂડ વિભાગે માત્ર 1 જ સ્ટાફ હોવાનું રટણ કરી આંખ આડા કાન કર્યા છે. ગઈકાલથી જ મીઠાઈનું સૌથી વધુ વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે તંત્ર દ્વારા જીઆઈડીસી રોડ પર 5 અને શનાળા રોડ પર 1 મળીને માત્ર 6 દુકાનોમાં જ નામ પૂરતું ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં મોટાભાગે સફાઈનો અભાવ જોવા મળ્યો હતો અને આરોગ્ય વિભાગની આ નિષ્ક્રિયતાને કારણે આજે મોટાભાગનું વેચાણ કોઈ પણ ચેકિંગ વિના જ થઈ જશે.છેલ્લા એક સપ્તાહની કામગીરી પર નજર કરીએ તો, ફૂડ વિભાગ દ્વારા વાવડી રોડ, પંચાસર રોડ, શનાળા રોડ અને રવાપર રોડ પર આવેલી ભૂગડા બટેકા, દાબેલી, પુરી શાક અને ફાસ્ટફૂડ સહિતના નાસ્તાની 30 જેટલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ ઝુંબેશ દરમિયાન માત્ર 1 જ જગ્યાએ કાર્યવાહી કરવામાં તંત્રને 'સફળતા' મળી હતી, જ્યાં નાસ્તા માટે ચટણી બનાવતી વખતે તેમાં હાનિકારક કલરનો ઉપયોગ થતો હોવાનું ઝડપાયું હતું. ફૂડ વિભાગની ટીમે ત્યાં રંગવાળી આશરે 1 કિલો જેટલી ચટણીનો ઘટનાસ્થળે જ નાશ કર્યો હતો. એક તરફ લોકોનું સ્વાસ્થ્ય ભગવાન ભરોસે છે અને બીજી તરફ મહાનગરપાલિકાનું તંત્ર માત્ર દેખાડા પૂરતી કામગીરી કરી રહ્યું છે.