સાથે કામ કરતા શખ્સે કામ બાબતે બોલાચાલી કરી ગાળો ભાંડી હુમલો કરતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈમોરબી અપડેટ : બેલા ગામની સીમમાં આવેલ એકઝોટીકા સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં સાથે કામ કરતા શ્રમિકે કામ બાબતે માથાકૂટ કરી યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજા પહોંચાડ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ઈજાગ્રસ્તે મોરબી તાલુકા પોલીસ મથકમાં હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ બેલા ગામની સીમમાં આવેલ એકઝોટીકા સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરીકામ કરતા વિકાસકુમાર અનંતિપ્રસાદ યાદવ (ઉં.વ. 22) એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગત તારીખ 30/08/2026 ના રોજ સવારે 10:30 વાગ્યાની આસપાસ તેઓ પોતાની રૂમ પર હાજર હતા ત્યારે તેમની સાથે રૂમમાં રહેતા અભિષેક રામસુમેર યાદવે (રહે. રાયબરેલી, ઉત્તરપ્રદેશ) કારખાનામાં વ્યવસ્થિત કામ કરવા બાબતે બોલાચાલી કરી હતી. વિકાસકુમારે ગાળો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા અભિષેકે ઢીકાપાટુનો માર માર્યો હતો અને રૂમમાં પડેલો લોખંડનો પાઇપ વિકાસકુમારને માથામાં ઝીંકી દીધો હતો.માથામાંથી લોહી નીકળવા લાગતા બૂમાબૂમ થતાં અભિષેક ત્યાંથી ભાગી ગયો હતો. અન્ય મજૂરો અને કારખાનાના માલિક હિતેશભાઈએ ઈજાગ્રસ્તને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં માથામાં ફ્રેક્ચર હોવાનું અને ટાંકા આવ્યા હોવાનું નિદાન થયું હતું.શરૂઆતમાં ડરના કારણે લેબર કોન્ટ્રાક્ટર દ્વારા દવાખાનામાં રૂમમાં પડી જવાથી ઈજા થઈ હોવાનું નોંધાવવામાં આવ્યું હતું. પરંતુ બાદમાં ઈજાગ્રસ્તના ભાઈને જાણ થતાં તારીખ 02/09/2026 ના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં 112 નંબર પર કોલ કરીને સાચી હકીકત જણાવવામાં આવી હતી. આ બનાવ અંગે વિકાસકુમારે તારીખ 03/09/2026 ના રોજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અભિષેક રામસુમેર યાદવ વિરુદ્ધ બી.એન.એસ. કલમ 115(2), 118(1), 117(2), 352 અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેતનકુમાર હિંમતલાલ અંબારીયા ચલાવી રહ્યા છે.#Morbi #MorbiUpdate #CrimeNews #BelaRangpar #MorbiTalukaPolice #MorbiNews #GujaratPolice