ભારે વરસાદથી હાઇવે પર પડેલા ખાડાઓ અને ડેમેજને કારણે વાહનચાલકોને ભારે હાલાકીમોરબી અપડેટ : ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને પગલે રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવેની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. રોડ પર મોટા ખાડાઓ અને તિરાડો પડી જવાના કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાર્વજનિક હિતને ધ્યાનમાં રાખીને આ માર્ગનું તાત્કાલિક રીપેરીંગ અને રિસરફેસિંગ કરાવવા મુદ્દે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયકુમાર વસંતલાલ ઝાલરિયા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.આવેદનપત્રમાં રજૂઆત કરતા અજય ઝાલરિયાએ જણાવ્યું છે કે, રાજકોટ-મોરબી સ્ટેટ હાઇવે એ સૌરાષ્ટ્રના મુખ્ય કોસ્ટલ બંદરગાહ સાથે કનેક્ટિવિટી ધરાવતો અતિ મહત્વનો માર્ગ છે. મોરબીના ટીંબડી અને શક્ત શનાળાથી લઈને રાજકોટ સુધી પથરાયેલો આ હાઇવે લાખો લોકોના સ્વાસ્થ્ય, આર્થિક રોજગારી, સામાજિક અને શૈક્ષણિક હેતુઓના પરિવહન માટે મુખ્ય સંસાધન છે.ચાલુ વર્ષ 2026 ના ચોમાસામાં ભારે વરસાદના કારણે આ રોડ પર ઠેર-ઠેર મોટા ખાડાઓ અને ક્રેક્સ પડી ગયા છે. રોડનું ધોવાણ થવાથી લોકોને યાતાયાતમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આગામી સમયમાં વાહન વ્યવહાર વધુ પ્રભાવિત ન થાય અને અકસ્માતો નિવારી શકાય તે માટે આ રોડનું તાત્કાલિક મેન્ટેનન્સ અને સમારકામ કરવું અત્યંત જરૂરી છે.લોકોની સુવિધા માટે માર્ગનું સત્વરે રીપેરીંગ કામ શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાતના મુખ્યમંત્રી, રાજકોટ લોકસભા મતવિસ્તારના સાંસદ સભ્ય, મોરબી જિલ્લા કલેક્ટર અને મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત આવેદનપત્ર આપીને ઘટતું કરવા વિનંતી કરવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #RajkotMorbiHighway #RoadRepair #HighwayMaintenance #MonsoonDamage #PublicIssue