સરકારી કાર રીક્ષા સાથે અથડાઈ : અનેક રજૂઆતો છતાં રોડના ખાડા બુરવામાં તંત્રની નિરસતામોરબી અપડેટ(ટંકારા) : મોરબી- રાજકોટ હાઈવેની અત્યંત ખરાબ અને બિસ્માર હાલતથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાની વેદના લાંબા સમયથી વણઉકેલાયેલી રહી છે. મોરબીના રસ્તાઓના ખાડા-ખબડા અને લોકોની હેરાનગતિ મુદ્દે કલેક્ટરે આકરા પાણીએ થઈને કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ, પ્રથમ વખત મોરબી બેઠકમાં આવી રહેલા રાજકોટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પોતે જ માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા.ધારાસભ્યો, સાંસદો અને જનતાની રજૂઆતો છતાં ઘોર નિદ્રામાં હતું તંત્રમોરબી-રાજકોટ હાઇવેના રસ્તાઓની બદતર હાલત અંગે સતત ધારાસભ્યો, સાંસદો, જાગૃત નાગરિકો, સરપંચો તેમજ સ્થાનિક રહીશો અને રાહદારીઓએ અસંખ્ય રજૂઆતો કરી હતી. તેમ છતાં માર્ગ અને મકાન વિભાગના પેટનું પાણી પણ હલતું નહોતું અને કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવતી નહોતી. અંતે જે રસ્તાઓની દુર્દશા માટે અધિકારીઓ આંખ આડા કાન કરતા હતા, તે જ રસ્તાની અવદશાનો ભોગ ખુદ અધિકારી બન્યા છે.સરકારી ગાડી અને રિક્ષા વચ્ચે અકસ્માત, અધિકારી અન્ય વાહનમાં રવાનાઆજે સવારે રાજકોટ કાર્યપાલક ઇજનેરની 'Government of Gujarat' લખેલી સરકારી ગાડી મોરબી આવી રહી હતી તે દરમિયાન હરબટીયાળી નજીક રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વાહનને નુકસાન થવા સાથે અધિકારીને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. અકસ્માત બાદ કાર્યપાલક ઇજનેર અન્ય વાહનમાં બેસીને તાબડતોબ રવાના થઈ ગયા હતા. આ હાઈવેની બિસ્માર હાલતની વાસ્તવિકતાનો ખુદ અધિકારીને જ પરચો મળી જતાં સમગ્ર પંથકમાં આ ઘટના ભારે ચર્ચાનો વિષય બની છે.#Morbi #MorbiUpdate #MorbiRoads #RoadAccident #GujaratNews #MorbiAdministration #RoadSafety #BreakingNews