દરગાહેથી પરત ફરતી વખતે નંબર પ્લેટ વગરના કોલસા ભરેલ ડમ્પરે સર્જ્યો અકસ્માત : 2 સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવીમોરબી અપડેટ: માળિયા મિયાણા તાલુકામાં પીપળીયા ચાર રસ્તા નજીક દહીંસરાના પાટિયા પાસે સાંજના સમયે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં સામેથી આવી રહેલા એક નંબર પ્લેટ વગરના કોલસા ભરેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર મોરબીના દંપતીનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતના આ બનાવને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના નવલખી રોડ પર રણછોડનગર પાછળ આવેલા રિદ્ધિ પાર્કમાં રહેતા અને ચક્કી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રહીમભાઈ ઇશાકભાઈ ચિચોદરા (ઉ.વ. 50) અને તેમના પત્ની મેરુનબેન રહીમભાઈ ચિચોદરા (ઉ.વ. 48) બાઈક લઈને દરગાહે ગયા હતા. જ્યાંથી તેઓ બંને બાઈક પર પરત આવી રહ્યા હતા.આ દરમિયાન પીપળીયા - વવાણીયા રોડ પર નાના દહીંસરાના પાટિયા પાસે, વાસુકી કોલ નજીક સામેથી આવી રહેલા એક કોલસા ભરેલા ડમ્પરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હડફેટે લીધા હતા. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર રહીમભાઈ અને તેમના પત્ની મેરુનબેન બંનેના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતને કારણે એક હસતો રમતો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. મૃતક દંપતીને સંતાનમાં 20 વર્ષનો એક દીકરો અને 18 વર્ષની એક દીકરી છે. એકસાથે માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દેનાર આ બંને યુવાન સંતાનો પર આભ તૂટી પડ્યું છે. ડમ્પર ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો આ અંગે સલીમભાઈએ જણાવ્યું કે, મૃતક દંપતીનું નામ રહીમભાઈ અને મેરૂનબેન છે. આ દંપતી દહીસરા સ્થિત પીરની દરગાહના દર્શન કરીને પરત ફરી રહ્યું હતું ત્યારે જ આ કમનસીબ ઘટના બની હતી. પાછળથી પૂરપાટ વેગે આવતા ડમ્પરે તેઓને અડફેટે લીધા હતા અને તેમના પર વાહન ફેરવીને ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષઆ ઘટના અંગે સલીમભાઈએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે આ રોડ પર 700 જેટલા ડમ્પરો માતેલા સાંઢની જેમ દોડે છે. ડમ્પર ચાલકો રાત-દિવસ એકબીજા સાથે ઓવરટેક કરવાની સ્પર્ધા કરતા હોય છે અને અનેક વાહનોમાં તો નંબર પ્લેટ પણ હોતી નથી. લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે શું તંત્રની મીઠી નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે કે પછી વાહનચાલકો પાસેથી હપ્તા લેવામાં આવે છે? આ ગંભીર બેદરકારીના કારણે એક પરિવાર વિખેરાઈ ગયો છે અને નિર્દોષ બાળકો નોંધારા બન્યા છે.ન્યાય નહિ મળે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી સલીમભાઈએ માંગ કરી છે કે આ દંપતીના મોતમાં જવાબદાર વાહનચાલક સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે. જો પીડિત પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે અને બેફામ દોડતા ડમ્પરો પર લગામ કસવામાં નહિ આવે, તો આગામી સમયમાં ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.#Morbi #MorbiUpdate #RoadAccident #MorbiNews #VavaniyaRoad #TragicAccident #MorbiPolice