સમય ગેઇટથી શરૂ થતો ઓવરબ્રિજ માર્કેટિંગ યાર્ડ પાસે પૂર્ણ થશે : ટ્રાફિક સમસ્યાનો કાયમી અંત આવશેમોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં ધીમો પણ મક્કમગતિએ બદલાવ શરૂ થયો છે, શહેરના બાગ બગીચાઓની કાયાપલટ કરવાની સાથે કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારને જોડતા બે મહત્વના પુલ મંજુર કર્યા છે ઉપરાંત શહેરમાં જ્યાં સૌથી વધુ ટ્રાફિક સમસ્યા સર્જાય છે તેવા ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ નિર્માણ કરવા નક્કી કર્યું છે. ઉમિયા સર્કલ ઓબરબ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને ચોમાસુ પૂર્ણ થતાં જ ઓવરબ્રિજનું કામ શરૂ કરવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.તાલુકામાંથી જિલ્લો અને જિલ્લામાંથી મહાનગર બનેલા મોરબી શહેરમાં સિરામિક સહિતના ઉદ્યોગોના વિકાસને કારણે દિવસે ને દિવસે વસ્તી વ્યાપ વધી રહ્યો છે પરંતુ જુનવાણી રસ્તાઓ એના એજ રહેતા ટ્રાફિક સમસ્યામાં જબ્બર વધારો થયો છે.જો કે, મોરબી નગરપાલિકા સમયમાં નટરાજ ફાટક તેમજ ઉમિયા સર્કલની ટ્રાફિક સમસ્યા ઉકેલવા ઓવરબ્રિજ બનાવવા નક્કી કરાયું હતું.જે અન્વયે હાલ નટરાજ ફાટક ઓવરબ્રિજનું કામ શરૂ થયા બાદ પૂર્ણતાના આરે છે તેવા સમયે જ આગામી ચોમાસુ પૂર્ણ થતાં જ ઉમિયા સર્કલ ખાતે ઓવરબ્રિજ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે. ઉમિયા સર્કલ ખાતે 700 મીટરની લંબાઈના ઓવરબ્રિજ માટે ટેન્ડર સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે અને કરોડના અંદાજે 57 કરોડના ખર્ચે ઓવર બ્રિજનું કામ ફાઇનલ કરવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટ - મોરબી રોડ પર શહેરના એન્ટ્રી પોઇન્ટ પર જ આવેલ ઉમિયા સર્કલ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનું એક છે.અહીં સવારથી સાંજ સુધીમાં હજારોની સંખ્યામાં ટુ - વ્હીલર અને ફોર વ્હીલર પસાર થાય જેથી અહી ટ્રાફિક જામની સમસ્યા કાયમી બની છે.જો કે, કેનાલ રોડ અને શનાળા રોડના ક્રોસિંગ પોઇન્ટની ટ્રાફિક જામની સમસ્યા નિવારવા રાજ્ય સરકાર દ્વારા અહીં ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરી ટ્રાફિક પ્રશ્નનું કાયમી નિવારણ લાવવા મહત્વનો પ્રોજેકટ મંજુર કર્યો છે. 700 મીટર લંબાઈ ધરાવતો આ બ્રીજ જ સમય ગેઇટથી શરૂ થઈ માર્કેટિંગ યાર્ડ પાસે પૂર્ણ થશે. ઓવરબ્રિજની બન્ને સાઈડ 7થી 9 મીટર સુધીના સર્વિસ રોડ પણ બનશે જેથી કેનાલ રોડ તરફ આવવા જવા માગતા વાહન ચાલકોને બ્રીજ પર જવું ન પડે આ ઉપરાંત ઉમિયા સર્કલ પર ભવિષ્યમાં વાહનની વધતી સંખ્યાને ધ્યાને લઇ મુખ્ય સ્પાન અંદાજે 45 મીટરની લંબાઈનો રાખવા નક્કી કરાયું છે. ઓવરબ્રિજ નિર્માણ થવાથી ઉમિયા સર્કલ પાસે ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી રાહત મળશે.જો કે, ઓવરબ્રિજ નિર્માણ માટે અંદાજે બે વર્ષનો સમય લાગશે જેથી આ સમયગાળા દરમિયાન શહેરીજનોને થોડી અગવડતાનો પણ સામનો કરવો પડશે.