રાજકોટ ખાતે યોજાયેલી CBSE ક્લસ્ટર સ્પર્ધામાં 200 મીટર દોડમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરી મોરબીનું ગૌરવ વધાર્યુંમોરબી અપડેટ : મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરતી તેજસ્વી વિદ્યાર્થિની સાન્વી દેત્રોજાએ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી રમતગમત સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી શાળા તેમજ સમગ્ર મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.રાજકોટની SGVP ખાતે 'CBSE Cluster XIII Athletics Championship' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ગુજરાત અને રાજસ્થાન રાજ્યની વિવિધ શાળાઓના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ આંતરરાજ્ય હરીફાઈમાં ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલની સાન્વી દેત્રોજાએ 200 મીટર દોડની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવીને દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ) પ્રાપ્ત કર્યું છે. રાજકોટ મુકામે મેળવેલી આ ઝળહળતી સફળતાના આધારે સાન્વીએ હવે આગામી સમયમાં પંજાબ ખાતે યોજાનાર 'CBSE National Level Athletics Championship' (રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા) માટે ગૌરવભેર ક્વોલિફાય કર્યું છે.સાન્વીની આ સિદ્ધિ તેની અથાક મહેનત, ખેલદિલી, શિસ્ત અને દૃઢ નિશ્ચયનું ઉત્તમ પરિણામ છે. નાની ઉંમરે રમતગમત ક્ષેત્રે મેળવેલી આ ઐતિહાસિક અને શાનદાર સિદ્ધિ બદલ સમગ્ર ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર ભારે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.આગામી સમયમાં પંજાબ ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પણ તે મોરબી શહેર અને શાળાનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ મેળવે તે માટે શાળાના સંચાલકો, શિક્ષકગણ અને પરિવારજનો દ્વારા સાન્વી દેત્રોજાને ખૂબ ખૂબ અભિનંદન તથા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #GreenValleyInternationalSchool #Athletics #CBSENational #SportsChampion #MorbiPride