ઓગસ્ટમાં ત્રણ ભાવ આપનાર ગુજરાત ગેસે 31 ઓગસ્ટ વીતવા છતાં આગામી સપ્ટેમ્બર માસના વપરાશ માટેની લિંક ન મોકલી : પ્રોપેનમાં પણ આ જ સ્થિતિમોરબી : ઈરાન - અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિમાં મોરબીના સિરામિક ઉદ્યોગની ખો નીકળી રહી છે. હોર્મુઝ સંકટને પગલે ગત મહિને ગુજરાત ગેસ કંપનીએ ત્રણ અલગ - અલગ ભાવથી ગેસ સપ્લાય કર્યા બાદ આજે 31 ઓગસ્ટ વીતવા છતાં આગામી સપ્ટેમ્બર માસની ડિમાન્ડ લિંક મોકલી નથી બીજી તરફ પ્રોપેન સપ્લાય કરતી ભારત સરકારની ત્રણેય કંપનીઓએ પણ સપ્ટેમ્બર માસ માટે પ્રોપેનના ભાવ જાહેર ન કરતા સિરામિક ઉદ્યોગકારો ફસાયા છે. જો કે, ગેસ ટ્રબલનો અંત લાવવા આજે સોમવારે મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ ગાંધીનગર દોડી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.વર્ષે દહાડે કરોડો રૂપિયાનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપતા મોરબીના સિરામિક ઉદ્યોગની માઠી દશા બેઠી છે.ઈરાન - અમેરિકા વચ્ચે યુદ્ધ બાદ લાંબો સમય સુધી ગેસની અછત સહન કર્યા બાદ માંડ સ્થિતિ થાળે પડતી નજર આવતી હતી તેવામાં જુલાઈ માસમાં ફરી ગેસની સમસ્યા સર્જાતા નેચરલ ગેસમાંથી પ્રોપેન તરફ વળેલા સિરામિક ઉદ્યોગને ઝટકા ઉપર ઝટકા રૂપે ફરજિયાત પણે મોંઘા ભાવનો નેચરલ ગેસ ખરીદ કરવો પડ્યો હતો.જો કે, બાદમાં પ્રોપેન સસ્તો થતા મોટાભાગના ઉદ્યોગો ફરી નેચરલ ગેસથી અંદાજે 20 રૂપિયા સસ્તા પડતા પ્રોપેનનો વપરાશ વધાર્યો હતો.મહત્વનું છે કે, પ્રોપેનનો વપરાશ વધતા ગુજરાત ગેસના નેચરલ ગેસની દૈનિક ખપતમા 55થી 60 લાખ ક્યુબીક મીટરનું તોતિંગ ગાબડું પડતા ગુજરાત ગેસ દ્વારા ઓગસ્ટ મહિનો પૂરો થવા છતાં પણ હજુ સુધી સપ્ટેમ્બર મહિનાની ડિમાન્ડ લિંક મોકલવા કે નવા એમજીઓ કરવાની તસ્દી લીધી નથી.બીજીતરફ હાલમાં અમેરિકાથી મોટા પ્રમાણમાં એલએનજીની આયાત થતી હોવા છતાં પણ ભારત સરકારની આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ કંપનીએ પણ પ્રોપેન સપ્લાય માટે સપ્ટેમ્બર મહિનાના ભાવ અંગે કોઈ ફોડ ન પાડતા હવે સિરામિક ઉદ્યોગકારો માટે સસ્તા પ્રોપેનના વિકલ્પ સામે પણ પ્રશ્નાર્થ ખડો થતા તાબડતોબ ગાંધીનગરની વાટ પકડી હોવાનું સામે આવ્યું છે. આજે સોમવારે મોરબી સીરામીક એસોસિશનના અગ્રણીઓ ગાંધીનગર દોડી ગયા છે અને સિરામિક ઉદ્યોગની મુખ્ય જરૂરત અને કરોડરજ્જુ એવા ગેસના ભાવ મુદ્દે કાયમી અને નક્કર ઉકેલ લાવવા સરકાર સમક્ષ માંગણી કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોડી સાંજ સુધીમાં ગુજરાત ગેસના સપ્ટેમ્બર મહિનાના ભાવ નક્કી થશેગુજરાત ગેસ કંપનીના સૂત્રો અને અગ્રણી સિરામિક ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર મહિને 25 તારીખ આજુબાજુ ગુજરાત ગેસ કંપની આગામી મહિનાના વપરાશ માટે લિંક મોકલી ડિમાન્ડ મુજબ ગેસના ભાવ નક્કી કરતી હોય છે. પરંતુ હોર્મુઝ સંકટને કારણે તેમજ ઓગસ્ટમાં નેચરલ ગેસના વપરાશમાં પડેલા ગાબડાને કારણે 31 ઓગસ્ટના સાંજના 5.45 સુધી લિંક પણ મોકલી નથી અને ભાવ પણ નક્કી નથી કર્યા.જો કે, મોડી સાંજ સુધીમાં ગુજરાત ગેસ કંપની ભાવ જાહેર કરનાર હોવાનું સુમહિતગાર વર્તુળોએ જણાવ્યું હતું.