16 રાજ્યોના 115 શિક્ષકો વચ્ચે વાંકાનેરની તૃપ્તિ પી. ગોહિલ અને અવની એ. સોલંકી સહિતની ગુજરાતની ટીમે પ્રાચીન ગરબા, હેન્ડલૂમ અને તરણેતરના મેળાની ઝાંખી કરાવીમોરબી અપડેટ : નવી દિલ્હીના CCRT ખાતે 21 દિવસનો ઓરિએન્ટેશન કોર્સ આયોજિત કરવામાં આવ્યો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ શિક્ષકોને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો પરિચય કરાવવાનો અને તેમને આધુનિક શિક્ષણને ભારતીય સંસ્કૃતિ, કલા અને પરંપરાઓ સાથે જોડવા માટે પ્રેરણા આપવાનો હતો. આ કોર્સમાં 16 રાજ્યોના 115 શિક્ષકોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતની ટીમે પોતાની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ, સંગીત, ભાષા અને કલા દ્વારા પોતાનું આગવું સ્થાન બનાવી સહુના આકર્ષણ અને પ્રશંસાનું કેન્દ્ર બની હતી.વાંકાનેર માટે ગર્વની બાબતમોરબી જિલ્લા અને ખાસ કરીને વાંકાનેર માટે ગર્વની વાત છે કે ગુજરાતની ટીમમાં વાંકાનેર તાલુકાની બે શિક્ષિકાઓએ ભાગ લીધો હતો. જેમાં વીશીપરા કન્યા શાળા (વાંકાનેર) ના શિક્ષિકા તૃપ્તિ પી. ગોહિલ અને નવા રજવાડલા પ્રાથમિક શાળાના શિક્ષિકા અવની એ. સોલંકીનો સમાવેશ થાય છે. આ બંને બહેનોએ વાંકાનેર તાલુકામાં પોતાની શાળામાં ફરજનિષ્ઠ શિક્ષક તરીકે સેવા આપવાની સાથે રાષ્ટ્રીય સ્તરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.ગુજરાતની કલા અને સંસ્કૃતિની ભવ્ય રજૂઆતપહેલા જ દિવસથી ગુજરાતના શિક્ષકોએ તેમના પરંપરાગત પોશાક, સંગીત અને ભાષા કૌશલ્યથી અન્ય રાજ્યોના સહભાગીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગુજરાતની ટીમે વિવિધ રાજ્યો દ્વારા રજૂ થતા દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સક્રિયપણે ભાગ લીધો હતો. CCRT સ્ટેજ પર ગુજરાતની ટીમે પ્રાચીન ગરબા અને શક્તિ વંદનાની શાનદાર રજૂઆત કરી હતી. આ ઉપરાંત 'અમે ગુજરાતી લહેરીલાલા' ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું અને ગુજરાતની ગરિમા સમાન બાંધણી, પટોળું, અજરખ વગેરે હેન્ડલૂમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. એટલું જ નહીં, વિશ્વપ્રસિદ્ધ તરણેતરના મેળાનો પરિચય કરાવીને બહેનોએ ગુજરાતની સંસ્કૃતિને રાષ્ટ્રીય મંચ પર ઉજાગર કરી હતી.CCRT ના ડેપ્યુટી ડિરેક્ટરે કરી પ્રશંસાભાષાની સીમાઓ પાર કરતી આ સાંસ્કૃતિક રજૂઆતને અન્ય રાજ્યોના સહભાગીઓ દ્વારા ખૂબ પ્રશંસા મળી હતી. કાર્યક્રમના અંતિમ દિવસે દેશની વિવિધ પ્રાદેશિક ભાષાઓના ગીતો અને નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પણ ગુજરાતની ટીમે અગ્રણી ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમની સફળતાને જોતા CCRT ના ડેપ્યુટી ડિરેક્ટરે સ્ટેજ પરથી ગુજરાતની ટીમના પ્રદર્શનની ખાસ પ્રશંસા કરી હતી.સમાપન સમારોહમાં ભાગ લેનારા શિક્ષકોએ જાહેરાત કરી હતી કે તેઓ ભારતીય સંગીત, ચિત્રકામ, હસ્તકલા અને પ્રાચીન સભ્યતા અંગેના આ ઓરિએન્ટેશન કોર્સ દરમિયાન મેળવેલા જ્ઞાન અને અનુભવોને પોતાની સંબંધિત શાળાઓના વિદ્યાર્થીઓ સાથે ચોક્કસ શેર કરશે.#MorbiUpdate #Wankaner #GujaratTeachers #CCRTNewDelhi #CulturalHeritage #TarnetarFair #Education #MorbiNews