લેખક : સંજય રૈયાણી અગાઉના લેખ “The Real Purpose of Worship: From Ritual to Transformation” નો અનુસંધાનઅગાઉના લેખમાં આપણે વાત કરી હતી કે પૂજાનો સાચો અર્થ શું છે—એ માત્ર એક ધાર્મિક વિધિ કે કર્મકાંડ નથી, પણ આપણી જાતને અંદરથી બદલવાનું, આપણું રૂપાંતરણ કરવાનું એક સાધન છે. આજે હું એ જ વિચારને એક ડગલું આગળ લઈ જઈને એના વ્યવહારુ પાસા વિશે વાત કરવા માંગુ છું.હું જાણું છું કે આપણે જે રીતે પ્રાર્થના કરીએ છીએ, એ રીત બદલવી બહુ અઘરી છે. કારણ કે આ આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે. આપણા માતા-પિતા, પરિવાર, સમાજ અને પેઢી દર પેઢી આ પરંપરા ચાલી આવી છે. એટલે સ્વાભાવિક રીતે આપણને એક જ રસ્તો ખબર છે:આપણે ભગવાન પાસે જઈએ છીએ અને માંગીએ છીએ.એક વિદ્યાર્થી કહેશે: “હે ભગવાન, મને પરીક્ષામાં પાસ કરાવી દેજો,” અથવા “સારો રેન્ક અપાવી દેજો.” કોઈ વેપારી કે ઉદ્યોગપતિ નવો ધંધો શરૂ કરે ત્યારે કહેશે: “ભગવાન, મારા ધંધામાં બરકત આપજો અને ક્યાંય કશું ઊંધું ન પડે એ જોજો.” મુશ્કેલીમાં પડેલો માણસ શાંતિ માંગે છે, પૈસા જોઈતા હોય એ ધન માંગે છે અને સફળતા જોઈતી હોય એ સફળતા માંગે છે.આમાં કશું નવું નથી. દરેક માણસ પોતાના અને પોતાના પરિવાર માટે માંગી જ શકે છે. આપણે આખી જિંદગી આ જ કરતા આવ્યા છીએ. પણ શું આપણે ક્યારેય શાંતિથી બેસીને વિચાર્યું છે: શું પ્રાર્થનાનો આ જ સૌથી મોટો અને સાચો હેતુ છે?રૂપ બદલાય છે, પણ રીત એ જ રહે છે*જરા ધ્યાનથી જુઓ. એક ભિખારી સવારે રોટલી માંગે, બપોરે જમવાનું માંગે, સાંજે નાસ્તો અને રાત્રે ખાવાનું માંગે. એક વિદ્યાર્થી પરીક્ષા પાસ કરવાનું માંગે, પછી સારી કોલેજમાં એડમિશન, નોકરી કે પ્રમોશન માંગે. એક મોટો ઉદ્યોગપતિ, જેની પાસે અઢળક સંપત્તિ, સાધનો અને અનુભવ છે, એ પણ જ્યારે નવું સાહસ શરૂ કરે ત્યારે નુકસાન ન થાય અને નફો થાય એની બાધા રાખે કે પ્રાર્થના કરે.શબ્દો અલગ છે, પરિસ્થિતિ અલગ છે અને સામાજિક મોભો અલગ છે. પણ અંદરનો ભાવ તો એક જ છે: “મને કશુંક જોઈએ છે, મને આપી દો.”ભિખારી ખુલ્લેઆમ માંગે છે, વિદ્યાર્થી પોતાની ભાષામાં માંગે છે અને મોટો માણસ થોડી વધુ સભ્ય ભાષામાં માંગે છે. પણ મૂળ માનસિકતા તો માંગવાની જ છે ને? આ આખા સમાજનો એક સામાન્ય ઢાંચો બની ગયો છે. અને બરાબર અહીં જ આપણે ભગવાન સાથેના આપણા સંબંધને ફરીથી સમજવાની જરૂર છે.ભગવાન સાથેનો 'લેવડ-દેવડ'નો સંબંધ બંધ કરો બીજી એક મહત્ત્વની વાત: ભગવાન સાથે સોદાબાજી બંધ કરો.આપણે ઘણીવાર મનમાં ગણતરી માંડીને જઈએ છીએ: “ભગવાન, જો મારું આ કામ થઈ જશે ને, તો હું આ કરીશ.” કંઈક જોઈએ છે એટલે પ્રાર્થના, કોઈ ડર લાગ્યો એટલે પ્રાર્થના, પરીક્ષા આવી એટલે પૂજા, નવો ધંધો શરૂ થયો એટલે નાળિયેર વધેરવું. આપણે જરૂર પડે ત્યારે જ ભગવાનને યાદ કરીએ છીએ.પણ શું ભગવાન સાથેનો સંબંધ આવી જરૂરિયાત કે સોદાબાજી પર ટકેલો હોવો જોઈએ? ભગવાન સાથે ક્યારેય વેપાર ન કરો. જે પણ અર્પણ કરો, એ શુદ્ધ ભાવ અને આભાર સાથે કરો, સોદા તરીકે નહીં.એક વ્યવહારુ દાખલો આપું. ધારો કે કોઈ ધનવાન વ્યક્તિ શરૂઆતમાં ઘણી સંસ્થાઓને ઉદાર હાથે દાન આપે છે. એમના કાર્યક્રમોમાં જાય છે, રસ લે છે અને ખુશ થાય છે. પણ થોડા સમય પછી એને વિચાર આવે છે: “આ લોકો મારા પર બહુ આધાર રાખવા માંડ્યા છે. લાવ જોવા દે, એ મારા પૈસાનું શું કરે છે.” પછી એ ધીમે ધીમે દાન ઘટાડે છે અને છેવટે સાવ બંધ કરી દે છે. એટલું જ નહીં, પોતાની ઓફિસના સ્ટાફને કહી દે છે: “આ લોકોને અંદર આવવા ન દેતા. જો પૂછે તો કહી દેજો કે સાહેબ બહારગામ ગયા છે.”આવું કેમ થયું? કારણ કે એ સંબંધ વ્યવહારિક અને શરતી હતો. હવે વિચારો, શું આપણે પણ ભગવાન સાથે આવું જ નથી કરતા? કામ હોય ત્યારે જઈએ, માંગીએ, અપેક્ષા રાખીએ અને જ્યારે ધાર્યું ન થાય ત્યારે નારાજ થઈ જઈએ. ભગવાન કોઈ એવી પેઢી કે સંસ્થા નથી જ્યાં માત્ર કામ કઢાવવા જવાય. ત્યાં સરવૈયાં કે ખાતાવહી નથી માંડવાની કે “મેં આટલી પૂજા કરી તો મને આટલું કેમ ન મળ્યું?”તમને કેવો મહેમાન ગમે?આપણા રોજિંદા જીવનનો એક સાદો દાખલો લઈએ. ધારો કે તમારા ઘરે કોઈ મહેમાન આવે છે. તમે ખૂબ પ્રેમથી અને મહેનત કરીને જાતજાતની રસોઈ બનાવીને એમને જમાડો છો. એ બધું જમી લે છે, પણ છેલ્લે વખાણ કરવાને બદલે કહે છે: “તમે ઢોકળાં નહોતાં બનાવ્યાં? ભજીયાં કેમ ન બનાવ્યાં? એ પણ લાવો ને!” અથવા એમ કહે કે “આવતી વખતે ઢોકળાં અને ભજીયાં ચોક્કસ બનાવજો.”તમને કેવું લાગશે? તમને એમ લાગશે કે તમારી મહેનતની કોઈ કદર જ ન થઈ. એ માણસે એ જ જોયું જે પીરસાયું નહોતું.હવે બીજા મહેમાનનો વિચાર કરો. એ પ્રેમથી દરેક વાનગી જમે છે, તમારી મહેનતને બિરદાવે છે અને સાચા દિલથી કહે છે: “બધું ખૂબ સરસ બન્યું હતું. તમે મારી આટલી સરસ સરભરા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર.”સાચું કહેજો, તમને કયો મહેમાન વધુ વહાલો લાગશે? જે ખાલી રહી ગયેલી વસ્તુઓ ગણાવે છે એ, કે જે પીરસાયું છે એનો ભાવપૂર્વક આભાર માને છે એ?જવાબ સાવ ચોખ્ખો છે.આ જ વાત ભગવાન સાથે સરખાવી જુઓ. આપણને પહેલેથી જ કેટલું બધું મળેલું છે: આ જીવન, તંદુરસ્ત શરીર, વિચારવાની શક્તિ, સારો પરિવાર, સંબંધો, અન્ન, છત, નવી તકો, પ્રકૃતિ, જ્ઞાન, કામ કરવાની અને પ્રેમ કરવાની ક્ષમતા. છતાં જ્યારે આપણે ભગવાન સામે ઊભા રહીએ છીએ, ત્યારે શું આપણે આ બધી બાબતો માટે હાથ જોડીને આભાર માનીએ છીએ? કે પછી સીધું આપણું લિસ્ટ ચાલુ કરી દઈએ છીએ: “ભગવાન આ આપો, પેલું આપો, કામ કરાવી દો, પૈસા આપો”?એના બદલે માત્ર આટલું કેમ નથી કહેતા: “હે પ્રભુ, તારો લાખ લાખ આભાર, તેં મને પહેલેથી જ ઘણું બધું આપ્યું છે.”થાળીમાં જે પીરસાયું છે એનો સંતોષ માનોઆપણને નાનપણમાં આપણા વડીલોએ એક સરસ વાત શીખવી હતી: “Always be thankful for whatever you receive on your plate.”આપણને જે પીરસાયું નહોતું એના વિશે ફરિયાદ ન કરવાનું, પણ જે આપવામાં આવ્યું હતું એનો આદર અને આભાર માનવાનું શીખવવામાં આવ્યું હતું.જીવનમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. જે મળ્યું છે એના માટે ઈશ્વરની કૃપા અનુભવો. આજુબાજુના લોકો, સગાં-વહાલાં કે પાડોશીઓ સાથે સતત સરખામણી કરવાનું બંધ કરો. કારણ કે તમે જેવી સરખામણી શરૂ કરશો, એટલે તરત તમારું ધ્યાન તમારા જીવનમાં શું ઓછું છે એના...