પોલીસે રૂ.41,750નો મુદ્દામાલ કબ્જે કર્યો, ભઠ્ઠીનો મુખ્ય સંચાલક વોન્ટેડ જાહેર વાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકાના કોઠી ગામની બીલયા સીમમાં ઓકળા પાસે બાવળની ઝાડીમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ, આથો, વાહન અને મોબાઈલ સહિત કુલ 41,750 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કોઠી ગામની બીલયા સીમમાં ઓકળા પાસે બાવળની ઝાડીમાં શંકાસ્પદ હિલચાલ જણાતા તપાસ કરી હતી. જ્યાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હાલતમાં મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 55 લીટર દેશી દારૂ, 20 લીટર ગરમ આથો, 400 લીટર ઠંડો આથો, ભઠ્ઠીના સાધનો, 5,000 રૂપિયાની કિંમતનો એક એપલ આઇફોન અને દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતું 15,000 રૂપિયાની કિંમતનું એક્ટિવા મોટરસાયકલ (GJ-03-PB-3849) મળી કુલ 41,750 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે ભઠ્ઠી પર મજૂરી કામ કરતા કિરણ ભાઈલાલ પરમાર (રહે. સતર, તા. ટંકારા) ને રંગેહાથ ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં આ દારૂની ભઠ્ઠી રાજકોટના વેલનાથપરામાં રહેતા મનોજ મોહન સોલંકીની હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે મનોજ સોલંકીને વોન્ટેડ જાહેર કરી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.#Wankaner #MorbiUpdate #DeshiDaruRaid #CrimeNews #WankanerPolice #GujaratPolice #MorbiNews